અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ ફરી એક વખત આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ સુધી વરસાદી  માહોલ રહેશે.  આજે અમદાવાદ શહેરમાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.  હવામાન વિભાગની આગાહી મુજબ ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે વરસાદ પડશે.  આજે દક્ષિણ ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત,  ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. સુરતમાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લામાં પણ આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 


ભરુચમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી


હવામાન વિભાગ મુજબ, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, મહીસાગર અને ભરુચમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. ભરુચમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. 


અમદાવાદ શહેરમાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ


સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને  દીવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  


અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ છલકાયો


ચોમાસાની સિઝનમાં ફરી એક વખત અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ છલકાયો છે.  શેત્રુંજી નદીમાં પુર આવતા ખોડિયાર ડેમ ભરાઈ ગયો છે. બે દરવાજા એક ફૂટ ખોલી પાણી છોડવામાં આવ્યું છે.  નિચાણવાળા વિસ્તારને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે.  અમરેલી અને ભાવનગર જિલ્લાના કુલ 46 ગામોને એલર્ટ કરાયા છે.  


રાજ્યમાં અત્યાર સુધીમાં  સરેરાશ 74.68 ટકા વરસાદ


ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં  સરેરાશ 74.68 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 88.99 ટકા વરસાદ ખાબક્યો છે. સૌથી ઓછો 55.97 ટકા વરસાદ ઉત્તર ગુજરાતમાં વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં 82.26 અને પૂર્વ મધ્ય ગુજરાતમાં 59.22 ટકા વરસાદ વરસ્યો છે.  


રાજ્ય સરકારે ખેડૂતો માટે પેકેજ જાહેર કર્યું 


વિધાનસભા ગૃહ ખાતે જાહેર અગત્યની બાબત પર નિવેદન અને ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી  રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના કેટલાક જિલ્લામાં જુલાઈ-૨૦૨૪ માસ દરમિયાન વરસેલા અનરાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકશાનીમાં સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર દ્વારા  રૂ. ૩૫૦ કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.


Gujarat Rain Update: વિરામ બાદ મેઘરાજનો બીજો રાઉન્ડ શરૂ, આ જિલ્લામાં મનમૂકી વરસ્યો વરસાદ