અમદાવાદઃ દીવના ઘોઘલા બીચનો બ્લુ ફલેગ બીચમાં સમાવેશ થયો છે. દીવ-દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રકૂલ પટેલના માર્ગદર્શન અને નેતૃત્વમાં અને દીવ કલેક્ટર સલોની રાયના સહયોગથી ઘોઘલા બીચમાં દરેક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે જે સુવિધાબ્લુ ફલેગ બીચમાં જરૂરી હોય છે.


બ્લુ ફલેગ બીચના અધિકારીઓ દ્વારા અવાર નવાર ઘોઘલા બીચની મુલાકાત લેવામાં આવી હતી અને ઘોઘલા બીચને પ્રમાણપત્ર મળ્યાની જાણકારી કલેક્ટરને આપતા દીવ પર્યટન વિભાગ, પ્રશાસન, દીવની જનતા અને પર્યટકોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે.

કેન્દ્ર મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ઈન્ટરનેશનલ જ્યૂરી દ્વારા પાંચ રાજ્યો તથા બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આવેલા 8 બીચોને બ્લૂ ફ્લેગ સર્ટિફિકેશન આપવામાં આવ્યું હતું. સરકાર તરફથી 18મી સપ્ટેમ્બરે આ બીચને ઈન્ટરનેશનલ ઈકો-લેબલ આપવા માટે ભલામણ કરાઈ હતી. આ ઈન્ટરનેશનલ જ્યૂરી યુનાઈટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામના (UNEP), ધ યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન (UNWTO), ડેનમાર્કના NGO ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટલ એજ્યુકેશન (FEE) અને ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN)ના સભ્યોની બનેલી છે.

બ્લૂ ફ્લેગ બીચને દુનિયાના સૌથી સ્વચ્છ બીચ માનવામાં આવે છે. આ વિશ્વનું સૌથી માન્ય વોલન્ટરી ઈકો લેબલ છે. બ્લૂ ફ્લેગ લેબલ મેળવવા માટે પર્યાવરણીય, શૈક્ષણિક, સુરક્ષા અને સુગમતાના અનેક માપદંડોની ચકાસણી કરવામાં આવે છે. આ સર્ટિફિકેટ ફાઉન્ડેશન ફોર એન્વાયરન્મેન્ટલ એજ્યુકેશન નામની બિનસરકારી ઈન્ટરનેશન ઓર્ગેનાઈઝેશન દ્વારા અપાય છે.

શિવરાજપુર અને ઘોઘલા સહિતના આઠ બીચોમાં કર્ણાટકના કાસરગોડ અને પદુબિદ્રી, કેરળના કપ્પડ, આંધ્રપ્રદેશના રુશિકોંડા, ઓરિશાના ગોલ્ડન અને અંદામાનના રાધાનગરનો સમાવેશ થાય છે. આ સાથે ભારત હવે દુનિયાના 50 બ્લૂ ફ્લેગ દેશોમાં સામેલ થયું છે. આ પહેલા 10મી ઓક્ટોબર સુધીમાં ભારત પાસે એકપણ બ્લૂ ટેગ ધરાવતા બીચ નહોતા.