ગાંધીનગરઃ ગુજરાતમાં ભાજપે વિધાનસભાની પેટાચૂંટણીમાં 8 પૈકી 7 બેઠકો માટે સત્તાવાર ઉમેદવારોની જાહેરાત કરી છે પણ એક માત્ર લીંબડી બેઠક માટેના ઉમેદવારની જાહેરાત બાકી રખાઈ છે. આ બેઠક પર ભાજપ ભૂતપૂર્વ મંત્રી કિરીટસિંહ રાણાને ટિકિટ આપવા માગે છે પણ કોંગ્રેસ કોને ઉમેદવાર જાહેર કરે છે તેના પર ભાજપની નજર છે.


આ બેઠક પર કોળી મતદારો મોટી સંખ્યામાં છે. કોંગ્રેસ 1 લાખ જેટલા મતદારો ધરાવતા કોળી સમાજમાંથી ઉમેદવાર ઊભો રાખે તો ભાજપ કીરિટસિંહ રાણાને ટિકિટ આપવાનું માંડી વાળી શકે છે. રાણાએ પ્રચાર શરૂ કરી દધો છે પણ અગાઉ ત્રણ વખત આ જ સમીકરણને કારણે હારેલા કિરીટસિંહ માટે ફરી જીતવું મુશ્કેલ ના બને તેથી ભાજપ કોંગ્રેસના ઉમેદવારની જાહેરાતની રાહ જોઈ રહી છે.

રાણા 2013 અને 2017માં કોંગ્રેસના ઉમેદવાર કોળીપટેલ સોમાભાઈ ગાંડાભાઈ સામે હાર્યા હતા. અત્યારે કિરીટસિંહે ચૂંટણી કાર્યાલય ખોલી પ્રચાર પણ શરૂ કરી દીધો છે પણ ભાજપ અવઢવમાં છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે જણાવ્યું કે, લીંબડી બેઠક માટે એકાદ દિવસમાં નામ નક્કી થઈ જશે અને જાહેર થયેલા ઉમેદવારો સોમવાર કે મંગળવારે ઉમેદવારી પત્રો ભરશે. આ વખતે રેલી કાઢીને ફોર્મ ભરવા માટે જવા ઉપર પ્રતિબંધ હોઈ ઉમેદવાર સાથે 4 કાર્યકરો જ જશે.