Rajkot: રાજ્યમાં હજારો ગરીબ બાળકોને ભૂખે રહેવાનો વારો આવ્યો છે. કારણ કે મધ્યાહન ભોજન લેતા 42 લાખ બાળકોને મળતા મધ્યાહન ભોજન પર સંકટ આવી પડ્યું છે. સૌરાષ્ટ્રનાં મોટા ભાગના તાલુકાઓમાં મધ્યાહન ભોજનનો જથ્થો મળ્યો નથી. તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ ઘઉં, ચણા, દાળ અને તેલનો પુરતો જથ્થો મધ્યાહન યોજનાના સંચાલકોને મળ્યો નથી. પરિણામે તિથિ ભોજન પર બાળકોને નિર્ભર રહેવું પડે છે.


બાળકોને યોગ્ય ભોજન નહીં મળવાથી તેમના પોષણ પર ગંભીર અસર પડી રહી છે. એક તરફ સરકાર કુપોષણ દૂર કરવાની મોટી મોટી વાતો કરે છે. બીજી તરફ સરકારની યોજનાનું પાલન થઇ રહ્યું નથી. જેને લઇ વાલીઓમાં સરકાર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.


મળતી માહિતી મુજબ છેલ્લા 4થી 5 મહિનાથી ઘઉં,ચણા, દાળ અને તેલનો પૂરતો જથ્થો નથી મળી રહ્યો. હાલ શ્રાદ્ધ ચાલતું હોવાથી દાતાઓ દ્વારા અપાતા તિથિ ભોજન પર મોટા ભાગના મધ્યાહન ભોજન કેન્દ્રો નિર્ભર છે. આવનાર 15 તારીખ સુધીમાં જો પૂરતો જથ્થો નહિ મળે તો અનેક મધ્યાહન ભોજન કેન્દ્રો બંધ કરવા પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. કેટલાક કેન્દ્રોમાં દરરોજ માત્ર ભાત આપવા પડે છે. ત્યારે વાલીઓ સાથે ઘર્ષણ પણ થવાના બનાવો બને છે. પુરવઠા વિભાગને અનેક રજૂઆતો છતાં પૂરતો જથ્થો નથી મળી રહ્યો. આવનારા 3-4 દિવસમાં જથ્થો પહોચાડવા સરકાર પાસે માગ કરી છે.