બનાસકાંઠામાં લક્ઝરી અને બસ વચ્ચે અકસ્માત સર્જાતાં ત્રણ સગાભાઈઓનાં મોત, અકસ્માત જોઈને લોકો શ્વાસ અદ્ધર થઈ ગયા
abpasmita.in | 22 Sep 2019 02:18 PM (IST)
લાલપુર ગામના પ્રજાપતિ સમાજના ત્રણ સગા ભાઈઓ બાઈક પર જઈ રહ્યા હતાં ત્યારે લક્ઝરી બસ સાથે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.
પાલનપુર: રવિવાર વહેલી સવારે બનાસકાંઠામાં થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં ત્રણ સગા ભાઈઓ કાળનો કોળિયો બન્યા હતાં. બનાસકાંઠાના લાખણી-ગેળા રોડ વચ્ચે અકસ્માત થતાં લાલપુર ગામના ત્રણ સગાભાઈઓના મોત નિપજ્યાં હતાં. આ સમાચાર સાંભળીને પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. લાલપુર ગામના પ્રજાપતિ સમાજના ત્રણ સગા ભાઈઓ બાઈક પર જઈ રહ્યા હતાં ત્યારે લક્ઝરી બસ સાથે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. બસ સાથે બાઈક અથડાતાં ઘટના સ્થળે જ ત્રણ જીંદગી આથમી ગઈ હતી. આ ઘટનાના પગલે સ્થાનિકો લોકોનાં ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા. એક જ પરિવારે ત્રણ વ્યક્તિ ગુમાવતાં લાલપુર ગામમાં શોકનું મોજું છવાઈ ગયું હતું. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે, નજરે જોનારા સૌના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. પીડિતોને સારવાર મળે તે પહેલાં જ તેમનો શ્વાસ અટકી ગયો હતો.