ડાંગઃ ગુજરાતમાં ખાલી પડેલી 8 વિધાનસભાની બેઠકો માટેની પેટાચૂંટણીની આગામી દિવસોમાં જાહેરાત થવાની છે. એ પહેલા ભાજપે કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું પાડ્યું છે. ડાંગ વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના ત્રણ સિનિયર નેતાઓ ભાજપમાં જોડાયા છે. રૂપાણી સરકારના મંત્રી ગણપત વસાવાને કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવામાં મોટી સફળતા મળી છે.
વઘઈ તાલુકા પંચાયતના સિનિયર સભ્યો જાહીદા સૈયદ, પ્રકાશ વાઘેલા અને અલ્કાબેન ભાજપમાં જોડાયા છે. તેઓ મંત્રી ગણપત વસાવાની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. આ સમયે મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પરિવારવાદ-જૂથવાદ અને વાદ-વિવાદમાં વેરવિખેર હાલતમાં પડેલી છે. થોડા સમય પહેલા કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. જેમાં ડાંગના ધારાસભ્ય પદેથી મંગળભાઈ ગાવિતે પણ રાજીનામું આપ્યું છે. ડાંગના વિકાસના કાર્ય ન થવાને કારણે તેમણે રાજીનામું આપી દીધું છે. એ જ સીલસીલો આગળ વધતા તાલુકા પંચાયતના મહત્વના ત્રણ સિનિયર સદસ્યો ભાજપમાં જોડાયા છે.
ગઈ કાલે ચૂંટણીપંચ દ્વારા બિહાર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, ગુજરાતમાં પેટાચૂંટણી અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આગામી 29મી સપ્ટેમ્બરે ખાલી પડેલી 8 બેઠકોની પેટાચૂંટણી માટે બેઠકનું આયોજન કરવામાં આવશે. ત્યારે આ બેઠકમાં પેટાચૂંટણીને લઈને કોઈ નિર્ણય થઈ શકે છે.
હજુ પેટાચૂંટણીની જાહેરાત નથી થઈ, પરંતુ કપરાડામાં કોંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાનાર જીતુ ચૌધરીએ ભાજપમાંથી ચૂંટણી લડવાનો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે પણ પેટાચૂંટણી થાય તેઓએ સંપૂર્ણ તૈયારી કરી રાખી છે. હાલ ભાજપમાં કાર્યકર્તાઓ સાથે સતત સમ્પર્કમાં હોવાનું અને 'દૂધ માં સાકર ભળે એમ હું પણ ભાજપ માં ભળી જઈશ, તેમ તેમણે જણાવ્યું હતું.
ગઈ કાલે ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ કોંગ્રેસને પડકાર ફેંક્યો છે. તેમણે પડકાર ફેંકતા જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં તાકાત હોય તો મેદાનમાં આવે. કોંગ્રેસ દિવાલ પર લખી લે, અમે તમામ બેઠકો જીતવાના છીએ. ચૂંટણીના ઢોલ વાગે એટલે બધા જૂથ એક એ ભાજપ, એમ ગોરધન ઝડફિયાએ ઉમેર્યું હતું. અમે બુથ સુધીની વ્યવસ્થા કરી છે.
ગુજરાતમાં કઈ વિધાનસભાની પેટાચૂંટણી પહેલા કોંગ્રેસમાં પડ્યું ગાબડું? કોણ કોણ જોડાયું ભાજપમાં?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Sep 2020 01:53 PM (IST)
વઘઈ તાલુકા પંચાયતના સિનિયર સભ્યો જાહીદા સૈયદ, પ્રકાશ વાઘેલા અને અલ્કાબેન ભાજપમાં જોડાયા છે. તેઓ મંત્રી ગણપત વસાવાની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -