Har Ghar Tiranga: તિરંગા યાત્રા સમયે પૂર્વ નાયબ મુખ્યમંત્રીને રખડતા ઢોરે અડફેટે લીધા છે. કરણપુર શાક માર્કેટ પાસે નિતિન પટેલને રખડતા ઢોરે અડફેટે લેતા ચકચાર મચી જવા પામી છે. હાલમાં ભાજપ નેતા નીતિન પટેલને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને ગાયે અડફેટે લીધા હતા. કડીમાં તિરંગા રેલી દરમ્યાન આ ઘટના બની હતી. જેમાં નીતિન પટેલને ઢીંચણના ભાગે ઇજા પહોંચી છે. જે બાદ તેમને સારવાર અર્થે કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર બાદ તેઓ અમદાવાદ તેમના નિવાસસ્થાને આવવા રવાના થયા હતા.
નીતિન પટેલે શું કહ્યું
આ મુદ્દે નીતિન પટેલે કહ્યું, આજે કડીમાં તિરંગા યાત્રામાં 2000 લોકો એકઠા થયા હતા. ત્યાં એક રખડતી ગાય દોડતી આવી. હું પડી ગયો અને બધું વજન મારા પર આવ્યું હતું. આ અચાનક બન્યું હતું. ગાય ક્યાંથી આવી કેવી રીતે આવી તેનો ખ્યાલ નથી. હું રેલીની વચ્ચે હતો. માઇનોર ક્રેક દેખાય છે સીટી સ્કેન કર્યું. 20થી 25 દિવસ પાટો બાંધી રાખવો પડશે. ડૉક્ટર્સ એ 30 દિવસ આરામ કરવાની સલાહ આપી છે. મારા માટે આ ઘટના અણધારી હતી.
કોંગ્રેસે શું કહ્યું
નીતિન પટેલેને તિરંગા યાત્રા દરમિયાન ગાયે અડફેટે લેતાં કોંગ્રસે અને આમ આદમી પાર્ટીએ પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. કોંગર્સના સોશિયલ મીડિયા કો ઓર્ડિનેટર હેમાંગ રાવલે પ્રતિક્રિયા આપતાં કહ્યું, દુઃખદ ઘટના છે, નીતિનભાઈ જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના છે. ભાજપે ગાયોના ગૌચર વેચ્યા તેનું આ પરિણામ છે. ઉદ્યોગપતિ મિત્રોને આપેલા ગૌચર ભાજપ પરત મેળવે તેવી વિનંતી.
આમ આદમી પાર્ટીએ શું કહ્યું
ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને કડીમાં યોજાયેલી તિરંગા યાત્રા દરમિયાન ઢોરે અડફેટે લેતા ઇજા પહોંચી છે આ મુદ્દે ગુજરાત આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ સાગર રબારીએ ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ગૌચર તેમણે જ વેચ્યા છે ઉદ્યોગપતિના પ્રેમમાં તેમણે ગૌચર ખાધા છે જેના કારણે હવે ગાય અને નંદી પોતાનો આશરો શોધી રહ્યા છે. નીતિનભાઈ પટેલનું ગુજરાતના રાજકારણમાં ઘણું જ યોગદાન છે, ભગવાનને પ્રાર્થના કરું કે તેઓ ઝડપથી સાજા થાય. હાલની સરકારનો કોર્પોરેટ પ્રેમ જગજાહેર છે.