કોડીનારઃ ગીર સોમનાથ જિલ્લામાં આજે સવારથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જિલ્લાના કોડીનારમાં 4 કલાકમાં જ 6 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. સવારે 10થી 1 વાગ્યા સુધીમાં 141 મી.મી વરસાદ પડ્યો છે. હાલ, વરસાદે વિરામ લીધો છે. જ્યારે જિલ્લાના તાલાલામાં બપોરે 12થી 2 વાગ્યા સુધીમાં બે ઇંચ વરસાદ પડ્યો હતો.
આગામી દિવસોમાં ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી છે. રાજ્યમાં 4, 5 અને 6 જૂલાઈના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે સુરત, તાપી, વલસાડ, ભરૂચ, દમણ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. અમદાવાદમાં આગામી 6-8 જુલાઇ દરમિયાન ધોધમાર વરસાદ પડશે.
હવામાન વિભાગના મતે રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુંલેશનની અસર જોવા મળશે. આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 16 ટકા વરસાદ ખાબક્યો છે. આગામી 5 જુલાઇએ છત્તીસગઢની આસપાસ સક્રિય થનારા મજબૂત લો-પ્રેશરની અસરોથી 6થી 8 જુલાઈ દરમિયાન અમદાવાદ સહિત સમગ્ર મધ્ય અને પશ્ચિમ ભારતમાં વરસાદનો જોરદાર રાઉન્ડ આવવાની વકી હવામાન વિશેષજ્ઞે કરી છે.