સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે હવે સૌરાષ્ટ્રમાં પણ કોરોનાનો કહેર શરૂ થયો છે. આજે સુરેન્દ્રનગરના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વધુ ૧૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં - ૧, વઢવાણ શહેરી વિસ્તારમાં - ૨, ધ્રાંગધ્રા તાલુકામાં - ૨, લીંબડી તાલુકામાં - ૫ સહિત ૧૦ વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો છે. તમામ દર્દીઓને સારવાર અર્થે સુરેન્દ્રનગર શહેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જિલ્લાનો કુલ કોરોના પોઝિટિવ આંક ૧૭૯ થયો છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં કોરોનાના કુલ 99 નવા કેસ નોંધાયા છે. અમદાવાદ સહિતના મોટા શહેરોમાંથી આવતા લોકોના કારણે સૌરાષ્ટ્રમાં સંક્રમણ વધ્યું હોવાનું કહેવાય છે. સૌરાષ્ટ્રમાં કરોનાનો ભરડો વધવા માટે તંત્રની સાથે સાથે લોકો પણ જવાબદાર છે. લોકડાઉન પૂરું થયા બાદ અનલોક શરૂ થતાં જ લોકો કોરોનાને લઈને બેદરકાર થઈ ગયા છે. લોકો તકેદારી ન રાખતા સંક્રમણ વધ્યું છે. રાજકોટમા ગઈકાલે વધુ 22 કેસ નોંધાયા હતા. જ્યારે ધોરાજીમાં પણ ગઈકાલે વધુ 5 કેસ નોંધાયા હતા.
સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાની વાત કરીએ તો ગઈકાલે અમરેલીમાં કોરોનાના નવા 7 કેસ, જૂનાગઢમાં 4 કેસ, ગીર સોમનાથ જિલ્લામાં 3 કેસ, મોરબીમાં 3 કેસ અને પોરબંદર, દ્વારકા અને જામનગરમાં અનુક્રમે 1-1 નવા કેસ નોંધાયા છે.