6 મનપાની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાનો આજે અંતિમ દિવસ, ઉમેદવારોની જાહેરાત બાદ નેતા, કાર્યકરોમાં રોષ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Feb 2021 08:52 AM (IST)
શુક્રવારના વિજય મૂર્હુતમાં એક ડઝન જેટલા ઉમેદવારો વિજય મૂર્હુત ચૂકી ગયા હતાં.
રાજયની 6 મનપાની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાનો આજે અંતિમ દિવસ છે. ભાજપના મોટાભાગના ઉમેદવારો ઉમેદવારીપત્ર ભરી ચૂક્યા છે. જ્યારે કૉંગ્રેસના મોટાભાગના ઉમેદવારો આજે અંતિમ દિવસે ઉમેદવારીપત્ર ભરશે. અમદાવાદ મનપા માટે 136 ફોર્મ ભરાયા, વડોદરા મનપા માટે 61, જામનગર મનપા માટે 87, રાજકોટ મનપા માટે 231 તો ભાવનગર મનપા માટે શુક્રવારે 52 ફોર્મ ભરાયા. શુક્રવારના વિજય મૂર્હુતમાં એક ડઝન જેટલા ઉમેદવારો વિજય મૂર્હુત ચૂકી ગયા હતાં. સરદારનગર, નરોડા, કુબેરનગર, સૈજપુર બોઘા, ઈંડિયા કોલોની, ઠક્કરનગર, દરિયાપુર, ખાડિયા, જમાલપુર, અસારવા અને શાહીબાગના ઉમેદવારો વિજય મૂર્હુત જ ચૂકી ગયા હતાં. મૂર્હુત ચૂકી જવા પાછળ પક્ષ તરફથી નિયત સમયે મેંડેટ ન મળતા મોડુ થયું હતું. ગુરૂવારના ઉમેદવારોની જાહેરાત બાદ શુક્રવારના સવારથી જ નેતા, કાર્યકરોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને ખાનપુર સ્થિત શહેર ભાજપ કાર્યાલય જુદા-જુદા વિસ્તારના દાવેદારો સમર્થકો સાથે પહોંચ્યા હતાં. શહેર પ્રમુખ અને પ્રભારી અસંતોષ થાળે પાડવામાં વ્યસ્ત રહેતા ઉમેદવારોને નિયત સમયે મેંડેટ મળ્યું ન હતું.