ભુજઃ દરિયામાં હાલ સક્રિય વાયુ નબળું પડી અને ડિપ ડિપ્રેશનના સ્વરૂપે કચ્છમાંથી પસાર થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છમાં આજે સાંજ સુધીમાં વાયુ પસાર થશે. સાંજ સુધીમાં વાયુ લખપત અને માંડવી વચ્ચે ટકરાઈ શકે છે. હાલ સંભવિત વાવાઝોડાના પગલે મુંદ્રા અને માંડવી બંદર પર 2 નંબરનું સિગ્નલ મૂકવામાં આવ્યું છે.


વાયુની સંભવિત અસરથી બચવા માટે કચ્છમાં સરકાર દ્વારા પૂરતી તૈયારી કરવામાં આવી છે. કચ્છ પ્રસાશન દ્વારા રેસ્ક્યુ તેમજ રાહત અને બચાવ કામગીરીને ધ્યાનમાં રાખીને NDRFની 5 અને BSFની 2 ટીમ તહેનાત રખાઈ છે. કચ્છમાં હાલમાં દરિયામાં વાયુના કારણે ભારે કરન્ટ જોવા મળી રહ્યો છે. કચ્છના કલેક્ટર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

હાલમાં કચ્છમાં માંડવી બીચ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. વાવાઝોડાની ગતિ ધીમી પડી જશે પરંતુ તેના કારણે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ થશે. હાલમાં માંડવીના દરમિયામાં ભારે કરન્ટ જોવા મળી રહ્યો છે. જિલ્લા તંત્ર દ્વારા આ બાબતે કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે, તો NDRFની પાંચ ટીમ તહેનાત રખાઈ છે.