જૂનાગઢઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી સક્રીય થઈ ગઈ છે. એક પછી એક મોટા નેતાઓ પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. રવિવારે પાટીદાર નેતા મહેશ સવાણી આપમાં જોડાયા હતા. તેઓ દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ઉપસ્થિતિમાં આપમાં જોડાયા હતા. ત્યારે હવે એક યુવા આંદોલનકારી આજે આપમાં જોડાયા છે. આ નેતાએ રવિવારે સુરતમાં સિસોદિયા સાથે મુલાકાત કરી હતી. 


આંદોલનકારી પ્રવિણ રામ આજે જૂનાગઢ ખાતે આપમાં જોડાયા હતા. ગોપાલ ઇટાલિયાની ઉપસ્થિતિમાં પ્રવીણ રામ આપમાં જોડાયા હતા.  જન અધિકાર મંચના પ્રદેશ પ્રમુખ અને આંદોલનકારી પ્રવીણ રામે રવિવારે મનિષ સિસોદિયા સાથે મુલાકાત કરી હતી. પ્રવીણ રામે તેમના સોશિયલ મીડિયા પેજ પર આ અંગે જાતે માહિતી આપી હતી અને તેમની સાથેની તસવીરો પણ શેર કરી હતી. 


તેમણે જણાવ્યું છે કે, આજ રોજ સુરત ખાતે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન અને શિક્ષણ ક્રાંતિના જનક મનીષ સિસોદિયાજી સાથે શુભેચ્છા મુલાકાત લીધી. માનનીય કેજરીવાલજીના નેતૃત્વમાં દિલ્હી સરકારમાં પ્રજાહિત માટે ચાલતા કાર્યોની વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી. દિલ્હી સરકારના પ્રજાહિત માટેના કાર્યો તેમજ માનનીય અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદીયાજીના પ્રજાહિત માટેના વિચારો જાણીને ખુબ જ આનંદ થયો. આ મિટિંગમાં ગુજરાત પ્રભારી ગુલાબસિંહ યાદવ, આપ નેતા ઇસુદાનભાઈ ગઢવી, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયા, પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠીયા અને અન્ય જવાબદાર આગેવાનો પણ હાજર રહ્યા.


આમ આદમી પાર્ટી (આપ)ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને ગઈ કાલે સોમનાથ મંદિરની બહાર ધક્કે ચડાવ્યા હતા. ગોપાલ ઇટાલિયા પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. ભાજપ પ્રેરીત લોકોએ હુમલો કર્યાનો ગોપાલ ઇટાલિયાનો દાવો હતો. જોકે, તેમણે ગઈ કાલે પોતાના વાયરલ થયેલા વીડિયોને લઈને માફી માંગી હતી. 


ગઈ કાલે આપના ઇસુદાન અને ગોપાલ ઇટાલીયા સોમનાથ દર્શને  પહોંચ્યા હતા. ગોપાલ ઇટાલીયાનો સમસ્ત બ્રહ્મ સમાજ અને હિંદુ સંગઠનો દ્વારા વિરોધ દર્શાવાયો હતો. મંદિર પરિસરમાં ગોપાલ ઈટાલિયા પર હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો.