Tomato Price: મોંઘવારીના મારથી આમ આદમી પરેશાન છે. પેટ્રોલ, ડીઝલ, ગેસ સિલિન્ડરથી લઈ શાકભાજીની કિંમતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હવે ટમેટાના ભાવમાં ભડકો થયો છે. ટમેટાનો ભાવ 150 રૂપિયાને પાર થઈ ગયો છે. શિયાળામાં 20 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતા ટમેટાની કિંમત અમદાવાદ સહિત અનેક શહેરોમાં 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે.
ચેન્નઈમાં 160 રૂપિયા કિલો પર પહોંચ્યો ભાવ
આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં પૂરના કારણે ટમેટાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. પૂરના કારણે ટેમટાના પાકને નુકસાન થયું છે. ઉત્પાદન ઓછું હોવાથી અને વરસાદથી પાક ખરાબ થવાના કારણે ટમેટાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ચેન્નઈમાં એક કિલો ટમેટાનાં ભાવ 160 રૂપિયા પર પહોંચી ગયો છે.
ચેક કરો ટેમેટાનો લેટેસ્ટ ભાવ
- અમદાવાદમાં એક કિલો ટમેટાનો ભાવ 110 રૂપિયા છે, જ્યારે ડુંગળીનો ભાવ 60 રૂપિયા પ્રતિ કિલો છે.
- બેંગલુરુમાં એક કિલો ટમેટાનો ભાવ 110 રૂપિયા છે, જ્યારે ડુંગળીનો ભાવ 60 રૂપિયા પ્રતિ કિલો છે.
- દેશની રાજધાની દિલ્હીમાં ટેમેટાનો ભાવ 60 થી 90 રૂપિયા પ્રતિ કિલો છે.
- દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ટમેટાનો ભાવ 80 રૂપિયા કિલો અને ડુંગળીનો ભાવ 60 રૂપિયા પ્રતિ કિલો છે.
- ચેન્નઈમાં કિલો ટમેટાનો ભાવ 160 રૂપિયા પહોંચી ગયો છે.
પેટ્રોલ-ડીઝલના કારણે વધ્યો પરિવહન ખર્ચ
હોલસેલ શાકભાજી વિક્રેતાના જણાવ્યા મુજબ, પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થયેલા વધારાની અસર ટમેટાના ભાવ પર જોવા મળી રહી છે. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં તેજીના કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધ્યો છે. જેના કારણે તમામ શહેરોમાં ભાવ વધ્યા છે.
રસોડાનું બજેટ ખોરવાયું
ગૃહિણીઓના કહેવા મુજબ શિયાળાની સીઝનમમાં ટમેટાની કિંમત 20-30 રૂપિયા પ્રતિ કિલો રહેતી હતી પરંતુ હાલ 100 રૂપિયાને પાર થઈ ગયો છે. શાકભાજીના વધતા ભાવના કારણે રસોડાનું બજેટ ખોરવાઈ ગયું છે.