Gandhinagar News: સેમિકન્‍ડક્ટર સેક્ટરની મોટી અને અગ્રગણ્ય માઇક્રોન કંપનીના સાણંદ સેમિકન્‍ડક્ટર પ્લાન્ટની ગતિવિધિઓને વધુ ઝડપી બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે TRA (ટ્રસ્ટ એન્‍ડ રિટેન્‍શન એગ્રીમેન્‍ટ) કરવામાં આવ્યા હતા.


આ એગ્રીમેન્ટ અંતર્ગત માઇક્રોનને પ્લાન્ટ કાર્યરત કરવા જરૂરી સહયોગ તેમજ નાણાં સહાય અને કેન્દ્ર-રાજ્ય સરકાર સાથેના વિભાગોની પ્રક્રિયાઓ સમયસર પૂર્ણ કરવામાં ગુજરાત સરકારનો સાયન્સ એન્‍ડ ટેકનોલોજી વિભાગ, ભારત સરકારનું ઇન્ડિયા સેમિકન્‍ડક્ટર મિશન તથા ICICI બેંક સહાયક બનશે.


મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આ એગ્રીમેન્‍ટ ગુજરાતમાં કેન્દ્ર અને રાજયની ડબલ એન્જીન સરકારની બેવડી વિકાસ ગતિના ત્વરિત લાભ આપનારું એગ્રીમેન્ટ ગણાવ્યું હતું.


આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે, પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપ અને માર્ગદર્શનમાં માઇક્રોનને તેના પ્લાન્ટ માટે માત્ર એક અઠવાડિયામાં સાણંદ ખાતે જમીન મળી જવી તથા ૯૦ દિવસમાં જ પ્લાન્ટનું ભૂમિપૂજન અને બાંધકામ પ્રારંભ થવો એ માત્ર ડબલ એન્જીન સરકારની વિકાસ પ્રતિબદ્ધતાથી જ સંભવ છે.


મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, માઇક્રોનનો આ સેમિકન્‍ડક્ટર ઉત્પાદન પ્રોજેક્ટ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત અને ‘મેઇક ઇન ઇન્ડિયા, મેઇડ ફોર ધ વર્લ્ડ’ ના સંકલ્પને સાકાર કરીને વિકસિત ભારત@૨૦૪૭માં ગુજરાતને સેમિકન્‍ડક્ટરનું હબ અવશ્ય બનાવશે.


તેમણે સાણંદમાં ૨૨ હજાર કરોડ રૂપિયાના ખર્ચે ૯૩ એકર વિસ્તારમાં નિર્માણાધીન માઇક્રોન ફેસેલિટી દ્વારા વીસ હજાર જેટલું ડાયરેક્ટ-ઇન ડાયરેક્ટ એમ્પ્લોયમેન્‍ટ જનરેશન કરવાનું છે તેની પણ સરાહના કરી હતી.


મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં ગુજરાત ડેલિગેશન સાથે તેમના સિંગાપોર પ્રવાસ દરમિયાન માઇક્રોન ફેસેલિટી એન્‍ડ એસેમ્બલી યુનિટની વિઝિટ કરી હતી તેની યાદ તાજી કરી હતી.


તેમણે કહ્યું કે, સાણંદમાં નિર્માણાધીન પ્લાન્ટ પણ સિંગાપોરની પેટર્ન અને હાઇટેકનોલોજી સાથે કાર્યરત થવાનો છે તેની માહિતી આ મુલાકાત દરમિયાન માઇક્રોને ગુજરાત ડેલીગેશનને આપી હતી.


મુખ્યમંત્રીએ માઇક્રોનને રાજ્ય સરકારના જરૂરી સહયોગ માટેની તત્પરતા પણ આ તકે વ્યક્ત કરી હતી.


કેન્દ્રીય રેલવેઝ અને IT મંત્રી  અશ્વિની વૈષ્ણવે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા માઇક્રોનને મળી રહેલા ત્વરિત પ્રતિસાદ માટે અભિનંદન પાઠવ્યા હતા.


વૈષ્ણવે ઉમેર્યું કે, ગુજરાતનો આ પ્રોજેક્ટ સમગ્ર વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર અને ડબલ એન્જીન સરકારના ફાસ્ટ ઇમ્પ્લિમેન્ટેશનના ઉદાહરણ તરીકે શો-કેસ થઈ રહ્યો છે. કેન્દ્રીય મંત્રીએ માઇક્રોનના આ પ્રોજેક્ટને પગલે સેમિકન્‍ડક્ટર સેક્ટરમાં વધુ રોકાણ દરખાસ્તો આવશે તેવી અપેક્ષા પણ વ્યક્ત કરી હતી.


માઇક્રોનના સિનિયર વાઇસ પ્રેસિડેન્‍ટ  ગુરુશરણ સિંહે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો પ્રો-એક્ટિવ એપ્રોચ ગુજરાતમાં પ્રોજેક્ટ ઝડપથી કાર્યરત કરવામાં ગતિ લાવશે તેવી લાગણી વ્યક્ત કરી સરકારના વિભાગો અને અધિકારીઓનો આભાર પ્રગટ કર્યો હતો.


આ એગ્રીમેન્‍ટ સાઇનીંગ અવસરે મુખ્ય સચિવ  રાજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ  પંકજ જોષી, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ  જે. પી. ગુપ્તા, સાયન્સ એન્‍ડ ટેકનોલોજી અગ્ર સચિવ મતી મોના ખંધાર તેમજ ICICIના ગુજરાત રિજિયનના વરિષ્ઠ અધિકારીઓ, માઇક્રોનના પ્રતિનિધિઓ સહભાગી થયા હતા.