ગાંધીનગર:  પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની બદલી માટે તા.2 જૂનથી લઇને 7મી જૂન સુધી ઓનલાઇન અરજી મંગાવવામાં આવી છે. શિક્ષકો દ્વારા કરવામાં આવેલી અરજીઓના આધારે આગામી 30મી જૂનના રોજ બદલીના ઓર્ડર ઇસ્યૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.  શિક્ષકો માટે બદલીના  નિયમોમાં સુધારા કરવામાં આવ્યા છે.  


વિધાસહાયકો, પ્રાથમિક શિક્ષકો અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષકો માટે બદલીના નિયમો જારી કરાયા છે.  વધ ઘટ બદલી માટે નક્કી કરાયેલી જગ્યા પર જે તે વિભાગની સ્પષ્ટ વધ ઘટ નક્કી કરવાની રહેશે. જે તે વિભાગની સ્પષ્ટ ખાલી જગ્યા પર જ વધ સરભર કરવાનો રહેશે. 


બદલી કેમ્પના હુકમ પછી વધ ઘટ કેમ્પ તથા જિલ્લા આંતરિક માંગણી બદલી કેમ્પ સહિત પાંચ કેમ્પમાં પ્રથમ ખાલી જગ્યા ઉભી થાય ત્યારે શિક્ષકને પોતાના વિષયની ખાલી જગ્યા પર મૂળ શાળામાં જવા ઈચ્છતા હોય તો પ્રથમ તક આપવાની રહેશે. મૂળ શાળામાં પરત જવાની તકનો અસ્વીકાર કરે તો શાળા પરતનો લાભ મળશે નહિ.


રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષકોના બદલી કેમ્પની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતમાં 40,000થી વધુ શિક્ષકો પોતાની બદલીની માંગ કરી હતી. ત્યારે હવે બદલી માટે શિક્ષકોને ઓનલાઈન અરજી કરવાની રહેશે. જો કોઈ શિક્ષકની બદલી ન થાય તો તેના કારણો આપવામાં આવશે. આ ઉપરાંત દંપતી કિસ્સાઓને લઈને પણ સરકાર દ્વારા તૈયારીઓ કરી છે.


રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, જિલ્લામાં વધઘટ કેમ્પ પૂર્ણ થયા બાદ બાકી રહેલ વધ શિક્ષકોની વિગતો દર્શાવતું રજીસ્ટર પણ તૈયાર કરવામાં આવશે, જ્યારે ખાલી પડેલી જગ્યા બાબતનું પણ એક અલગ પ્રકારનું રજીસ્ટર તૈયાર કરવામાં આવશે. 


ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1થી5 અને 6થી 8માં વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ શિક્ષકોને ફાળવણી કરવામાં આવતી હોય છે, ત્યારે કોઈપણ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા સામે શિક્ષકોની વધ ઘટ ન થાય તેને ધ્યાનમાં લઈને પણ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા લિસ્ટ તૈયાર કરવામાં આવશે. 


બદલી કરવા માંગતા શિક્ષકે  સેલ્ફ ડિકલેરેશનમાં આપવું પડશે અને જો કોઈપણ વિગતો અથવા તો દસ્તાવેજ ખોટા હશે. તો જે તે શિક્ષકને શિક્ષાપાત્રની જોગવાઈ સાથે ખોટી માહિતી, ખોટા દસ્તાવેજના આધારે લાભ રદ કરવાની પણ જોગવાઈ સેલ્ફ ડેકલેરેશન પત્રકમાં કરવામાં આવી છે. વિદ્યા સહાયક અને શિક્ષકની નોકરી માટે ફરજિયાત 5 વર્ષ નોકરી હોવી જરૂરી છે.