MAHISAGAR : મહીસાગર જીલ્લાના કડાણા અને સંતરામપુર તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં આદિવાસીના જાતિના દાખલાઓનો પ્રશ્ન છેલ્લા ત્રણ વર્ષથી ટલ્લે ચડ્યો છે. જેને કારણે કડાણા તાલુકા વિસતારમાં એલઆરડી, એસટી ડ્રાયવર, કન્ડક્ટર, નર્સ માટેની ભરતીમાં જાતિના દાખલની ખરાઈનો મુદ્દો છેલ્લા બે વર્ષથી ઘોચમાં પડતાં સરકારી ભરતીમાં પસંદગી પામેલ હોવા છતાં પણ આ આદિવાસીઓની નિમણૂંકના હુકમો તેમની જાતિના દાખલની ખરાઈ ચકાસણી નહીં થઈ શકતાં અત્યાર સુધી કાગડોળે રાહ જોઇ બેઠેલા આદિવાસી લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.
કડાણા તાલુકાના આદિવાસી સમાજના લોકો એકત્રિત થઇ અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું તેમની માગો વહેલી તકે સ્વીકારવામાં આવે તે અંગેની રજૂઆત કરવામાં આવી હતી અને જો તેમની માગણીને સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ભૂખ હડતાળ કરવાની ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.
આ વિસ્તારના આદિવાસી સમાજને આદિવાસી જાતિના દાખલાઓ સહેલાઈથી મળી રહે તેમજ જે દાખલાઓ અત્યાર સુધી ખરાઈ હેઠળ રાખી ચકાસણીની કામગીરી જે આજ સુધી ગોકળગાયની ગતિએ ચાલી રહી છે, તે કામગીરીને વેગ આપી જેતે વિભાગ દ્વારા ત્વરીત પગલા લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
વર્ષોથી વિવાદમાં રહેલ આદિવાસી સમાજના આ પ્રશ્નના સંદર્ભમાં કડાણા સરપંચ સંઘના પ્રમુખ વેચાતભાઈ વાગડીયા તેમજ વિવિધ સંગઠનો દ્વારા અગાઉ આદિવાસી વિકાસ વિભાગના મંત્રીને લેખીતમાં રજૂઆત પણ કરવામાં આવી હતી.
અનેક રજૂઆતો, યુવાનોએ નાના મોટા આંદોલનો કર્યા, હવે કડાણા તાલુકાના તમામ આદિવાસીઓ રોષે ભરાયાં છે જેને લઇને કાયમી ઉકેલ ન આવે ત્યાં સુધી લડી લેવાના મૂડમાં છે અને આવનાર સમયમાં સમસ્યાનો ઉકેલ ન આવે તો આંદોલનની ચીમકી ઉચારી છે.
ઉલ્લેખનીય છે કે કડાણા તાલુકો સંતરામપુર તાલુકામાંથી છૂટો પડી અસ્તિત્વમાં આવ્યો છે ત્યારથી અહીંના આદિવાસીઓને પ્રમાણપત્ર બાબતે તકલીફો રહે છે. આ વિસ્તારને સ્વતંત્ર ભારતના schedule areaમાં સમાવેશ કરાયેલ છે અને અહીં વસવાટ કરતા મૂળનિવાસીઓનો આદિવાસીમાં સમાવેશ થયેલ છે.
વર્ષ 2007 સુધી કોઈ પણ અડચણ વગર પ્રમાણપત્ર મળતા હતા અગાઉ 2007માં આજ રીતે પ્રમાણપત્રો બંધ કરી દેવાયા હતા પરંતુ 2011માં 30,000 વિદ્યાર્થીઓએ 21 દિવસ શિક્ષણ બહિષ્કાર કરતા પ્રમાણપત્ર પૂનઃ મળતા શરૂ થયા હતા.
છેલ્લા ત્રણ વર્ષથી પ્રમાણપત્ર બંધ થતા તેમના માટે હાલ કડાણા તાલુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ નિર્માણ થાય તેવા એંધાણ છે કડાણા તાલુકાના તમામ અગ્રણીઓ, ચૂંટાયેલ પ્રતિનિધિઓ નોકરિયાત વર્ગ તેમજ વિદ્યાર્થીઓ સ્થાનિક ખુલીને સામે આવી રહ્યાં છે.