SURAT : સુરતના ચાકહરી ગ્રીષ્મા વેકરીયા હત્યાકેસમાં આજે સુરત કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે ગ્રીષ્માના હત્યારા આરોપી ફેનિલ ગોયાણીને ફાંસીની સજા સંભળાવી છે. ગ્રીષ્માની હત્યા કરનારા ફેનિલને કોર્ટે ફાંસીની સજા સંભળાવી તે ચુકાદાને અનેક લોકો બિરદાવી રહ્યા છે. પણ આ કેસમાં   થશે એ જાણવા સૌ કોઈ આતુર છે. હત્યારા ફેનિલનું ડેથ વોરંટ કયારે જાહેર થશે અને ક્યાં દિવસે ફાંસી આપવામાં આવશે એ સૌ કોઈ જાણવા માંગે છે. આ દરમિયાન ફેનિલના વકીલનું નિવેદન સામે આવ્યું છે. 


શું કહ્યું ફેનિલના વકીલે? 
હત્યારા ફેનિલ ગોયાણીના વકીલે કહ્યું કે કોર્ટે જે ચુકાદો આપ્યો છે તેનાથી અમે સંતુષ્ટ નથી. વકીલે કહ્યું કે આરોપીને અધિકાર છે કે તે કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં પડકારે. આથી અમે સુરત કોર્ટના આ ચુકાદાને હાઇકોર્ટમાં અને જરૂર પડે તો સુપ્રીમ કોર્ટમાં પડકારીશું. 


જજે ચુકાદો સંભળાવતા પહેલા સંસ્કૃત શ્લોક વાંચ્યો 
સુરતના પાસોદરામાં ગઈ તા. 12મી ફેબ્રુઆરીના રોજ જાહેરમાં 21 વર્ષીય યુવતી ગ્રીષ્મા વેકરીયાની ગળું ચીરીને હત્યા કરનારા હત્યારા આરોપી ફેનિલ ગોયાણીને સુરતની કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. કોર્ટમાં બંને પક્ષના વકીલ અને ગ્રીષ્માના પરિવારજનો હાજર રહ્યાં હતાં. કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ રેર ગણાવ્યો હતો. મનુસ્મૃતિના શ્લોક यत्र श्यामो लोहिताक्षो થી ચુકાદાની શરૂઆત કરાઈ હતી, જ્જે કહ્યું દંડ દેવો સરળ નથી પણ આ રેરેસ્ટ ઓફ રેર કેસ છે, ત્યાર બાદ જજે  ફાંસીની સજા સંભળાવી હતી.


કોંગ્રેસે કોર્ટના ચુકાદાને આવકાર્યો 
સુરતની ગ્રીષ્માની હત્યા કરનાર ફિનીલને આજે કોર્ટે ફાંસીની સજા ફટકારી છે.આ ચુકાદાને કોંગ્રેસે આવકાર્યો છે.કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગ્રીષ્મા દીકરીની હત્યા થઈ એ હચમચાવી નાખતી ઘટના હતી.ન્યાયતંત્રએ આપેલા ચુકાદાને આવકારું છું.આવા વ્યક્તિને સજા થઈ એ પરિવારને આજે ન્યાય મળ્યો.પરંતુ પ્રશ્ન એ છે કે એ પછી પણ આવી ઘટનાઓ બની ત્યારે ફરી આવી ઘટનાઓ ન બને એ માટે સરકાર કામ કરે.આવા હત્યારાઓને રોકવા માટે પોલીસ વિભાગ કડકાઇથી કામ કરે.ગૃહ વિભાગની પણ જવાબદારી છે કે કાયદાનું પાલન થાય.ફરી કોઈ ગ્રીષ્મા સાથે આવું ન બને એવી અમારી અને ગુજરાતની અપેક્ષા છે.