રાજપીપળા: નર્મદા જિલ્લામાં કેવડીયામાં આદિવાસીઓની જમીનો સંપાદન થયા બાદ વળતર નહીં ચૂકવાતા અને યોગ્ય નોકરી નહીં મળવાના મામલે લાલઘૂમ થયેલા આદિવાસી સમાજે ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સ ના સમયે જ કેવડિયા સહિત 6 ગામો બંધ રાખવાનું એલાન આપતા જ આજે કેવડિયા ગરુડેશ્વર સહિતના ગામો સ્વયંમભુ સંપૂર્ણ બંધ રહ્યો હતો.
કેવડિયા કોલોની ખાતે 20 થી 22 તારીખ સુધી ઓલ ઇન્ડિયા ડિજિ કોન્ફરન્સનો પ્રારંભ થયો છે. જેમાં 21 અને 22 ડીસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપવાના છે. જેના પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના વિવિધ પ્રોજેક્ટ્સમાં પોતાની જમીનો ગુમાવવાના મામલે આદિવાસીઓ દ્વારા કેવડિયા સહિત 6 ગામ આ ત્રણ દિવસ બંધનું એલાન કરવામાં આવ્યું છે.
જમીન બચાવો આદિવાસી બચાવો લઇને આજે કેવડિયા થી પદયાત્રા પણ કાઢવામાં આવી હતી. જેમાં મુખ્ય બે આગેવાનોને ડિટેઇન કરવામાં આવતા લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. એક બાજુ આખા રાજ્યની પોલીસ કેવડિયા કોલોની માં ઠાલવાયેલી ઉપરાંત સમગ્ર ભારતની સુરક્ષા એજન્સીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેવાના હોય તે વચ્ચે જ બંધનું એલાન આવી જતા સરકારનો ધોળે દિવસે ફજેતો થયો છે.
નર્મદા ડેમ બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી, ટેન્ટ સિટી, ભારત ભવન અને રેલવે સ્ટેશન જેવા પ્રોજેક્ટ્સમાં આદિવાસીઓની જમીનો સંપાદન કરવામાં આવી રહી છે. જેને લઇને અસરગ્રસ્ત આદિવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.