સાબરકાંઠા: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ ઘુસાડવાનો કીમિયો યથાવત છે. સાબરકાંઠાના તલોદના રણાસણ નજીકથી સાબરકાંઠા એસઓજી પોલીસે બાતમીના આધારે સ્કોર્પિઓ કારમાંથી રૂપિયા 35 હજારનો દારૂ ઝડપી પાડ્યો છે. આ ઉપરાંત મોડાસાના બે કોન્સ્ટેબલોને પણ દારૂ સાથે ઝડપી પડ્યા છે. હાલ આ કોન્સ્ટેબલોને પકડીને તલોદ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા છે.

Continues below advertisement


 



સાબરકાંઠા અને અરવલ્લી પોલિસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી દારુ અને નશીલા પદાર્થોની હેરફેરને લઈ તપાસ વધારી દીધી છે. છેલ્લા કેટલાક મહિનાથી મોટા પ્રમાણમાં દારુની હેરાફેરી ઝડપાઇ રહી છે. જોકે આ ભયના માહોલ વચ્ચે હવે બુટલેગરોએ કેટલાક પોલીસ કર્મીઓ સાથે મળીને દારૂની હેરાફેરીનો કિમીયો શોધી નાંખ્યો છે. દારુની ખેપ મારવા માટે હવે પોલીસ કર્માચારીઓનો જ ઉપયોગ કરવાનો અને દારુનો જથ્થો પોલીસ પાસેથી જ મેળવવાનો નવો આઈડીયા અપનાવ્યો છે. જોકે આ કિમીયો સાબરકાંઠા પોલીસે કામયાબ થવા દિધો નથી. આ અંગેની બાતમી સાબરકાંઠા SOG પોલીસને મળતા તુરંત જ તેના પર એક્શન લઈ કાર્યવાહી હાથ ધરી છે. બાતમી અનુંસાર SOG એ રણાસણથી તલોદ તરફ જઈ રહેલી કારને અટકાવીને તલાશી લેતા દારુનો જથ્થો કારમાંથી મળી આવ્યો હતો. કારમાં સવાર ખુદ પોલીસકર્મી જ હતો.


રુપિયા કમાઇ લેવાની લાલચે કેટલાક લોકોની પ્રકૃતિ હોય છે, ચાહે તે કોઈપણ ક્ષેત્રમાં ફરજ બજાવતો હોય. આવી જ રીતે અરવલ્લી પોલીસમાં ફરજ બજાવતા બે પોલીસ કોન્સ્ટેબલોને રુપિયા કમાઈ લેવાની લાલચ જાગી હતી. આથી તેઓ જિલ્લા પોલીસની દારુ ઝડપવાની કાર્યવાહી અને તેના ભયનો લાભ ઉઠાવ્યો હતો. રાત દિવસ દારુ અને નશીલા પદાર્થ ઝડપવા પરિશ્રમ કરતી પોલીસની આંખોમાં ધૂળ નાંખી દારુની હેરાફેરી શરુ કરી હતી.  SOG PI અને તેમની ટીમે રણાસણથી તલોદ નજીક વોચ ગોઠવી હતી. 


આ દરમિયાન એક સ્કોર્પિયો કાર મોડાસા તરફથી આવી રહી હતી. પોલીસે સ્કોર્પિઓ કારને રોકતા તેમાં એક પોલીસકર્મી રોહિત ચૌહાણ જે બાયડના ડેરીવાડા ગામનો વતની છે અને વિજય પરમાર જે ધનસુરાના રહીયોલ ગામનો વતની છે.  આ બન્ને પોલીસ કોસ્ટેબલો અરવલ્લી હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવે છે. તેઓ રાજસ્થાનમાંથી દારુ લાવીને પોતાના ખેતરમાં સંતાડતા. હવે આ મામલે તેના ગામના બે અન્ય ઇસમોને પોલીસે ઝડપી પડ્યા છે. પોલીસે કારની તલાશી લેતા ફફડી ઉઠેલા પોલીસકર્મી અને અન્ય બંને શખ્શોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ દરમિયાન એસઓજીની ટીમે ચારને ઝડપી લીધા હતા. કારમાં તલાશી લેતા દારુના 8 બોક્સ ભરેલા મળી આવ્યા હતા. 


મોડાસા ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિજય શનાજી પરમાર પાસેથી દારુનો જથ્થો મેળવ્યો હતો. આ અગાઉ પણ વિજય પરમારને દારૂની હેરાફેરી મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ફરી આજે દારૂની હેરા ફેરી કરતો ઝડપાયો હતો. મોડાસા હેડ ક્વોટર ખાતે બન્ને પોલીસકર્મીઓ છેલ્લા 4 વર્ષથી ફરજ બજાવતા હતા ત્યારે આ ચાર ઈસમો ગાંધીનગરના હાલીસા ખાતે આ દારૂ લઈ જવાનો હતો. જ્યાં બુટલેગર કિશન ગોસ્વામીને આપવાનો હતો. એસઓજીએ આ બંને સામે પણ તપાસની કાર્યવાહી શરુ કરી છે. આ મામલે અરવલ્લી જિલ્લા પોલીસ વડા દ્વારા એક્શન લેવામાં આવ્યા હતા જ્યાં બંને પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.