નવી દિલ્લીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ગુરૂવારે શપથ લીધા એ પછી શુક્રવારે ખાતાંની ફાળવણી કરાઈ હતી. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને ક્યું મંત્રાલય મળશે તે જાણવામાં સૌને રસ હતો. મોદીએ અમિત શાહને મહત્વનું ગૃહ મંત્રાલય આપ્યું છે જ્યારે રાજનાથસિંહને ગૃહ મંત્રાલયથી ખસેડીને સંરક્ષણ મંત્રાલય ફાળવ્યું છે.



અમિત શાહ ગુજરાતમાંથી કેન્દ્ર સરકારમાં કેબિનેટ કક્ષાના ગૃહ પ્રધાન બનનારા માત્ર ત્રીજા ગુજરાતી છે. આ પહેલાં કેન્દ્ર સરકારમાં કેબિનેટ કક્ષાના પ્રધાન બનનારા બંને મહાનુભાવ ‘પટેલ’ હતા. દેશ આઝાદ થયો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ દેશના પહેલા ગૃહ પ્રધાન બન્યા હતા.



સરદાર પટેલ પછી દેશના બીજા કેબિનેટ કક્ષાના ગૃહ પ્રધાન બનનારા બીજા મહાનુભાવ એચ.એમ. પટેલ હતા. ચરોતરના હીરુભાઈ પટેલ અંગ્રેજ સરકારમાં સિવિલ સર્વિસ ઓફિસર હતા અને સરદાર પટેલની નજીક હતા. દેશ રજવાડાંને એક કરવામાં તેમણે સરદાર પટેલ સાથે બહુ મહત્વનું યોગદાન આપ્યું હતું.



એચ.એમ. પટેલ ઉત્તર ગુજરાતની સાબરકાંઠા લોકસભા બેઠક પરથી ચૂંટાયા હતા. મોરારજી દેસાઈની સરકારમાં પટેલ 24 જાન્યુઆરી 1979થી 28 જુલાઈ 1979 સુધી ગૃહ પ્રધાન હતા. મોરારજી દેસાઈ સરકારમાં એચ.એમ. પટેલ બે વર્ષ માટે નાણાં મંત્રી પણ હતા.