Kutch : વિશ્વ પ્રવાસનના નકશા પર ચમકતાં કચ્છ અને પાટનગર ભુજને રાજવી પરિવાર દ્વારા વધુ બે ભેટ અર્પણ કરવામાં આવી રહી છે. નખત્રાણા નજીક ચાડવા રખાલના પ્રાકૃતિક સ્થળે આદ્યાત્મિક ચેતનાસભર મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું.
ભુજને મંદિર અને બગીચાની ભેટ
ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા સાથે મંદિર કચ્છની જનતાને દર્શનાર્થે ભેટ અપાયું તો, સદગત્ મહારાવ પ્રાગમલજી ત્રીજાના જન્મદિને ભુજમાં રણજીત વિલાસ પેલેસ સંકુલમાં અઢી એકરમાં નિર્માણ પામેલાં સુંદર બગીચાનું લોકાર્પણ કરાશે.ચાવડા રખાલમાં આવેલા મહામાયા મંદિર અને ભુજના રાજમહેલમાં બગીચો કચ્છ જ નહીં દેશ-વિદેશથી આવતાં પર્યટકો માટે પણ એક પ્રવાસન કેન્દ્ર બની રહેશે તેવી અપેક્ષા રાજ પરિવારે વ્યક્ત કરી છે.
પ્રાકૃતિક સૌદર્યથી શોભતી ચાડવા રખાલમાં સુંદર મંદિર
ભુજથી 16 કિલોમીટર અને સામત્રાથી અઢી કિલોમીટર દૂર આવેલી ચાડવા રખાલ રાજ પરિવાર હસ્તકનો અનામત જંગલ વિસ્તાર છે. 12 હજાર એકરમાં પથરાયેલા આ જંગલ વિસ્તારમાં આવેલું પ્રાગસર તળાવમાં દોઢસોથી વધુ મગરમચ્છ, મીઠાં પાણીમાં ભાગ્યે જ જોવા મળતી વિશિષ્ટ પ્રકારની માછલીઓ વિહરે છે.
તો, દીપડાં, અનેક વિશિષ્ટ સરીસૃપ અને વૃક્ષો ધરાવતું આ એક એવું જંગલ છે કે જ્યાં આવી માણસ બેઘડી વિચારતો થઈ જાય કે તે ‘રણ પ્રદેશ’માં છે.
બહુ ઓછાંને ખબર છે કે કચ્છમાં ભયાનક દુકાળ આવ્યાં પણ છેલ્લી એક સદીથી પ્રાગસર તળાવ ક્યારેય સૂકાયું નથી. ‘પ્રી-વેડિંગ શૂટ’ માટેના હોટ ફેવરિટ સ્થળો પૈકીની આ રખાલમાં એક અદભુત મંદિરનું નિર્માણ કરવાનો મહારાવ પ્રાગમલજી ત્રીજાએ સંકલ્પ કર્યો હતો.
7.50 કરોડના ખર્ચે 3 એકરમાં અદભુત મંદિરનું નિર્માણ
મંદિરનું નિર્માણ ક્યાં કરવું, કેવું મંદિર બનાવવું તેની ચર્ચા વિચારણામાં જ તેમણે એકાદ વર્ષનો સમય કાઢી નાખ્યો હતો. આખરે તેમણે રખાલમાં એક એવી જગ્યા પસંદ કરી મંદિરનું નિર્માણ કરાવ્યું કે મંદિરના દર્શન કરી બહાર આવો તો જગ્યાની ઊંચાઈ-ઊંડાણના ડાયનેમિક્સ અંગે બેઘડી વિચારતાં થઈ જાવ.
ત્રણ એકરમાં સાતથી સાડા સાત કરોડના ખર્ચે બનેલા આ મંદિરમાં મહામાયા માતાજી, હિંગલાજ માતા, ત્રિપુરા સુંદરી, મહાકાલી અને રૂદ્રાણી માતા એમ પાંચ દેવીની મૂર્તિઓની સ્થાપના કરાઈ છે.મંદિરમાં સ્થપાયેલી મૂર્તિઓ ખાવડા નજીક અંધૌના કુદરતી પથ્થરોમાંથી નિર્માણ કરાઈ છે.
રાજકુંવર ઈન્દ્રજીતસિંહ જાડેજાએ જણાવ્યું કે મહારાવ સાહેબની ઈચ્છા અંધૌના જ ત્રણ અલગ અલગ રંગના પથ્થરોથી પ્રતિમાનું નિર્માણ કરાવવાની હતી. આ પથ્થરો અંધૌથી ધ્રાંગધ્રા ખાતે શિલ્પીઓને મોકલાતાં હતા અને ત્યાં કોતરણી થયા બાદ આ પ્રતિમાઓ અહીં સ્થાપિત કરાઈ છે.
તેમણે ઉમેર્યું કે બાવાસાહેબનું અધૂરું સપનું સાકાર કરવા મહારાણી પ્રીતિદેવીએ પણ એટલો જ ઉત્કટ ઉત્સાહ દાખવ્યો. 84 વર્ષની ઊંમરે પણ તેઓ દર ત્રણ-ચાર દિવસે અહીં રૂબરૂ આવતાં અને જરૂરી માર્ગદર્શન આપતાં. મંદિરની આખી કલ્પના બાદ તેનો નકશો એક કુશળ સ્થપતિની જેમ બાવાસાહેબે તૈયાર કર્યો હતો. ચાર વર્ષના નિર્માણ કાર્ય બાદ આ મંદિર પૂર્ણતાના આરે છે. કુંવર ઇન્દ્રજીત સિંહએ જણાવ્યું કે ટેમ્પલ ટુરિઝમની ભલે બોલબોલા હોય પણ ટેમ્પલ ટુરિઝમના લીધે આસપાસનો પ્રાકૃતિક પરિવેશ નષ્ટ ન થાય તેનું ખાસ ખ્યાલ રખાયો છે.
કુદરતના ખોળે આદ્યાત્મિક ચેતના વાળું મંદિર
નિતાંત કુદરતી સૌંદર્ય અને પરિવેશ વચ્ચે નિર્માણ પામેલા આ મંદિરના દર્શનથી અલૌકિક આદ્યાત્મિક ચેતના જાણે જાગૃત થઈ જશે. સાધના માટે મંદિરે ધ્યાન કેન્દ્રની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. તો કુદરતના ખોળે સમય પસાર કરવા ઈચ્છતાં પ્રવાસીઓ માટે રહેવા અને જમવાની સુવિધાનું પણ નિર્માણ કરાયું છે. અહીં ભુજના રામકુંડની પ્રતિકૃતિ જેવા કુંડનું નિર્માણ કરાયું છે. અહીં આગામી દિવસોમાં વધુ 20 હજાર વૃક્ષોનું વાવેતર કરાશે.