મોરબી: માતા-પિતા માચે ચેતવણીરુપ કિસ્સો મોરબી વિસ્તારમાંથી સામે આવ્યો છે. મોરબીના હળવદમાં ગરમ પાણીમાં પડી જતા બે વર્ષના બાળકનું મોત થતા અરેરાટી મચી છે. સૌ પ્રથમ તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામા આવ્યો હતો. જ્યાં તેનું બે દિવસની ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. બાળકના મોતને લઈને સમગ્ર પરીવાર શોકમગ્ન છે. 


આ અંગે વિગતે વાત કરીએ તો, હળવદમાં માતા-પિતાને ચેતવણી રૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જે માતા-પિતા પોતાના બાળકને રેઢા મૂકી પોતાના કામમાં વળગી જાય છે. તેવા માતા-પિતાને ચેતવણી આપતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક બાળક રમતા-રમતા ગરમ પાણીમાં પડી જતા તેનું મોત નીપજ્યું છે.


મળતી માહિતી અનુસાર, હળવદના સાપકડા ગામે રહેતા મહેશભાઈ ભોપાભાઈનો બે વર્ષનો બાળક ધૃવ રમતા રમતા ચુલા ઉપર ગરમ પાણી થતું હતું તેમા પડી ગયો હતો. જેની જાણ થતા તેના પરિવારજનો દ્વારા બાળકને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત નાજુક જણાતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામા આવ્યો હતો. જ્યાં તેનું બે દિવસની ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. ત્યારે બાળકના મોતને લઈને સમગ્ર પરીવારમાં માતમ છવાયો છે.


અમદાવાદ: રાજ્યમાં આજે ત્રણ જગ્યાએ પાણીમાં ડૂબવાની ઘટના સામે આવી છે. જેમાં ખેડા, ઉપલેટા અને જૂનાગઢનો સમાવેશ થાય છે. આ ઘટનામાં કુલ 6 લોકો પાણીમાં ડૂબ્યા છે. જેમાંથી 4 લોકોના મોત થયા છે જ્યારે બેની શોધખોળ ચાલી રહી છે.




ચોરવાડ ખાતે બે યુવાન પાણીમાં ડૂબ્યા




જૂનાગઢના ચોરવાડ ખાતે બે યુવાન પાણીમાં ડૂબ્યા છે. તળાવમાં કમળના ફૂલ તોડવા જતા બની દુર્ઘટના બની હતી. તળાવની અંદર રહેલા કાદવમાં ફસાઈ જતા યુવાનો ડૂબ્યા હતા. બંને યુવકોને બહાર કાઢી ચોરવાડ સરકારી  હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ચોરવાડ સરકારી હોસ્પીટલના ફરજ પરના ડોકટર દ્વારા બંન્નેને મૃત જાહેર કરાયા હતા. બંને યુવકના મૃત્યુને લઈને ચોરવાડ શહેરમાં શોકનો માહોલ છવાયો છે. હાલમાં પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.


ખેડાના ગળતેશ્વર મહીસાગર નદીમાં ત્રણ લોકો ડૂબ્યા


તો બીજી તરફ ખેડાના ગળતેશ્વર મહીસાગર નદીમાં ત્રણ લોકો ડૂબ્યા છે. નડિયાદના ત્રણ વ્યક્તિઓ મહીસાગર નદીમાં ડૂબ્યા છે. સામે આવેલી વિગતો અનુસાર આ તમામ લોકો નડિયાદમાં આવેલા અમદાવાદી બજારના રહેવાસી છે. મનીષ સોલંકી, પ્રકાશ સોલંકી અને જૈમિન સોલંકી નામના લોકો નદીમાં ન્હાવા ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ગામના સરપંચ અને સ્થાનિક તરવૈયાની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે જવા રવાના થઈ હતી. હાલ સ્થાનિક તરવૈયાની ટીમ દ્વારા મનીષભાઈ સોલંકીનો મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. હજુ પણ પુત્ર અને પિતાની  શોધખોળ  કરવામાં આવી રહી છે.




રાજકોટના ઉપલેટામાં એક યુવક ડૂબ્યો


રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં નદીમાં ડૂબી જવાથી એક યુવકનું મોત થયું છે. ઉપલેટા તાલુકાના ગણોદ ગામે ભાદર નદીમાં માછીમારી કરતાં દેવીપુજક યુવકનું મોત નીપજ્યું છે. ગણોદ ગામના પાંચાભાઇ પરમાર નામના 38 વર્ષીય દેવીપુજક યુવક બીજા લોકો ભાદર નદીમાં સાથે માછીમારી કરવા ગયા હતા. માછીમારી કરતા કરતા અચાનક નીચે પડી જતા પાણીમાં ડૂબી જવાથી તેઓ મોતને ભેટ્યા હતા. મૃતકના મૃતદેહને ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડાયો છે. તો બીજી તરફ ઘટનાની જાણ થતા ઉપલેટા પોલીસ કોટેજ  હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.