અમદાવાદ: ઉત્તરાયણનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે ગુજરાતનાં કેટલાંક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની પણ શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ગઈકાલે મોડી રાતે દ્વારકા અને કચ્છમાં હળવો વરસાદ પડ્યો હતો. જ્યારે આજે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જૂનાગઢના માળિયા હાટીના અને માંગરોળમાં ભારે વરસાદ ખાબક્યો હતો જેના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતાં.

નોંધનીય છે કે, અફઘાનિસ્તાનમાં સર્જાયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજસ્થાન તરફ આગળ વધતાં સોમવારે અમદાવાદ ઉપરાંત કચ્છ, સૌરાષ્ટ્ર અન ઉત્તર ગુજરાતમાં વરસાદી છાંટાથી લઈને માવઠું જોવા મળી રહ્યું છે. આજે અમદાવાદમાં સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ છવાયેલું જોવા મળ્યું છે. જેના કારણે પતંગરસિયાઓમાં અને ખેડૂતોમાં ચિંતા છવાઇ ગઇ છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં જોવા મળ્યાં હતાં. કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. આ ઉપરાંત અનેક જગ્યાએ ધુમ્મસના દ્રશ્યો પણ જોવા મળ્યાં હતાં. કમોસમી વરસાદને કારણે અનેક પાકોને નુકસાન થાય તેવી સંભાવાના છે.

રવિવારે બપોર બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. વાતાવરણમાં ફેરફાર થતાં મોડી રાત્રે કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતાં. દ્વારકામાં કમોસમી વરસાદ પડતાં રોડ-રસ્તા ભીનાં થયા હતાં. જ્યારે અમુક જગ્યાએ પાણીના ખોબોચિયા પણ ભરાઈ ગયા હતાં.

આજે સવારે જૂનાગઢ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. માળિયા હાટીના અને માંગરોળમાં ભારે વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત અનેક ગામડાંઓમાં વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદના કારણે જીરૂં, ઘઉં સહિતના પાકને નુકશાન પહોંચશે. ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા હતાં.

રાજકોટ જિલ્લામાં પણ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. રાજકોટ જિલ્લાના ઘણાં ગામડાંઓમાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. આ ઉપરાંત જામકંડોરણામાં પણ વરસાદ ઝાપટાં જોવા મળ્યાં હતાં.

આજે સવારે ભાવનગર, બોટાદ, મોરબી, કચ્છ, પાટણ અને બનાસકાંઠામાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદ ઝાપટાં જોવા મળ્યાં હતાં. કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો હતો. વરસાદના કારણે પાકને ભારે નુકસાન થાય તેવું લાગી રહ્યું છે.