અમદાવાદઃ ધરતીપુત્રોને કમોસમી વરસાદની કળ હજુ નથી વળી ત્યાં ફરી એક વખત જગતના તાત માટે માઠા સમાચાર આવ્યા છે. દક્ષિણ પશ્ચિમી અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતા ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ચોથી ડિસેમ્બરના રોજ સામાન્ય કમોસમી વરસાદ પડશે.

વરસાદની આગાહીને લઈ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યના  આણંદ, સુરત, ભરૂચ, વડોદરા, નર્મદા, વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં  કમોસમી વરસદની સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે.

એક તરફ કમોસમી વરસાદના રાહત પેકેજ અને વીમા કંપનીઓની ધીમી કામગીરીથી ખેડૂતો પીડાઈ રહ્યા છે, તેવામાં જો ફરીથી કમોસમી વરસાદ વરસે તો જગતના તાતના હાલ બેહાલ થઈ શકે છે. જે ખેડૂતોએ રવિ પાકની વાવણીની તૈયારી કરી છે તેઓ પણ મૂંઝવણમાં મૂકાઈ ગયા છે.

અરબી સમુદ્રમાં દક્ષિણ પશ્ચિમમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે. ચોથી તારીખે આ સિસ્ટમ આગળ વધતા ગુજરાતની નજીક પહોંચશે અને તેના કારણે રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ વરસશે. આમ આ વર્ષે જગતના તાતની માઠી બેઠી હોય તેવું લાગી રહ્યું છે.