રાજ્યના હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી હવામાન કોઈ ફેરફારની સંભાવના નહીં હોવાનું જણાવ્યું છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આગાહીમાં જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી સપ્તાહમાં હવામાન સુકૂ રહેશે અને વરસાદની કોઈ શક્યતા નથી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં મોટા ફેરફારોની આગાહી કરી છે. તેમના મતે, રાજ્યમાં હાલમાં અનુભવાતી ઠંડી હજુ પણ વધશે અને તાપમાનમાં ઘટાડો થશે. જોકે આ સાથે જ માવઠાની પણ શક્યતા છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડી પડશે. આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રનું પોરબંદર અને કચ્છમાં કાતિલ ઠંડી પડે તેવી આગાહી કરવામાં આવી છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં 15 ડિગ્રી અને અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.
21 ડિસેમ્બર બાદ ઠંડી પડવાની શક્યતા
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 21 ડિસેમ્બર બાદ ઠંડી પડવાની શક્યતા છે. આ સાથે જ સવારના સમયે પવનો ફૂંકાશે. તારીખ 23 અને 24 દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે. પરંતુ 26 ડિસેમ્બર આસપાસથી બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા છે. આના કારણે ગુજરાતના ભાગોમાં જાન્યુઆરી શરૂઆત સુધીમાં વાદળો આવશે અને દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં ભાગોમાં વાદળછાયું વાતાવરણ કે છાંટા પડવાની શક્યતા છે.
તેમણે ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની આગાહી કરી છે. ખાસ કરીને 10મી જાન્યુઆરીથી ઠંડીમાં ચમકારો આવી શકે છે અને 13 જાન્યુઆરીથી અંત સુધીમાં હિમ વર્ષા એટલે કે માવઠું થવાની શક્યતા છે.
હાડ થીજવતી ઠંડીની આગાહી
અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં સવારના સમયે ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. તેમજ અનેક ભાગમાં લઘુત્તમ તાપમાન ઘટવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં 12 ડિગ્રીથી 10 ડિગ્રી તાપમાન થઈ શકે છે. અમરેલી અને કચ્છમાં હાડ થીજવતી ઠંડીની આગાહી કરવામાં આવી છે.
જાન્યુઆરીમાં માવઠાની આગાહી
ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરીમાં માવઠાની આગાહી કરાઈ છે. 26 ડિસેમ્બરથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. હિમાલયના બર્ફીલા પવનોને લીધે ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. દક્ષિણ અને પૂર્વ ગુજરાતના ભાગોમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.