અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 27 નવેમ્બર સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ વરસી શકે છે. રાજ્યમાં આજે વાતાવરણ સૂકું રહેશે, આવતી કાલથી ત્રણ દિવસ રાજ્યમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી માહોલ રહેશે. 26 નવેમ્બરે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
3 દિવસ બાદ તાપમાન ઘટતા ઠંડી વધશે
27 નવેમ્બરે દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે. 3 દિવસ બાદ તાપમાન ઘટતા ઠંડી વધશે.રાજ્યભરમાં ધીમ ધીમે ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. ભેજનું પ્રમાણ વધતા ઠંડીનું જોર વધ્યું છે. અનેક શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ઘટ્યો છે અમદાવાદમાં લઘુતમ તાપમાન 18.01 ડિગ્રી નોંધાયું છે.
IMD અનુસાર, આજે પશ્ચિમ મધ્ય પ્રદેશ, વિદર્ભ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, ગુજરાત રાજ્ય, ઉત્તર આંતરિક કર્ણાટક, તમિલનાડુ અને પુડુચેરીમાં વીજળીના ચમકારા સાથે ભારે વરસાદની સંભાવના છે. એટલે કે મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા, મધ્યપ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. દરમિયાન, આગામી 4 દિવસ માટે દેશના ઘણા ભાગોમાં ખરાબ હવામાનને લઈને ચેતવણી જાહેર કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ચાર દિવસ રાજ્યમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી માહોલ છવાઇ જવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
30-40 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે. આ સાથે જ બનાસકાંઠા, પાટણ, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસશે. જૂનાગઢ, રાજકોટ, ગીર-સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદ પડશે
26 નવેમ્બર અને રવિવારના દિવસે છોટાઉદેપુર, તાપી, ડાંગ તથા દાહોદ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર-સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial