Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. અગાહીની વચ્ચે કચ્છમાં વરસાદી ઝાપટા પડ્યા છે. વહેલી પરોઢથી કચ્છમાં અનેક વિસ્તારોમાં ઝાપટા પડ્યા છે. ભુજ, અંજાર, મુંદ્રા, ગાંધીધામ સહિત વિસ્તારમાં વરસાદ છે. હવામાન વિભાગ દ્વારા 2 દિવસની વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદના કારણે પાક નુકસાનની ભીતિ છે, જેના કારણ ધરતીપુત્રોની ચિંતા વધી છે.
બનાસકાંઠાના ધાનેરા ના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં વરસાદ શરૂ છે. બાપલા, વક્તાપુરા, માલોતરા, કુંડી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ છે, જેના કારણે રાયડો, જીરું, વરિયાળી, બટાકા, સહિતના પાકમાં નુકસાનની શક્યતા છે. આકાશમાં કાળા વાદળો અને વીજળીના ચમકારા વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદની શરૂઆતથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
રાજ્યના 21 જિલ્લામાં વરસાદનું એલર્ટ
હવામાન વિભાગે 21 જિલ્લામાં વરસાદનું એલર્ટ આપ્યું છે. એક સાથે બે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. ચારેય ઝોનના કુલ 21 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે.
કચ્છ સહિત સૌરાષ્ટ્રના 8 જિલ્લામાં આજે વરસાદનું યલો એલર્ટ અપાયું છે. મોરબી, રાજકોટ,બોટાદ, અમરેલી,ગીર સોમનાથ,ભાવનગર અને સુરેન્દ્રનગરમાં પણ આજે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે. જેમાં પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણાનો સમાવેશ થાય છે. માવઠાની શક્યતાએ ખેડૂતોની ચિંતા વધારી છે.મધ્ય ગુજરાતના ખેડા, આણંદ,વડોદરા, છોટા ઉદેપુરમાં ગાજવીજ સાથે વરસાદનો અનુમાન છે. પંચમહાલ, દાહોદ,મહીસાગર જિલ્લામાં પણ હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ આપ્યું છે.
માવઠાની આગાહી વચ્ચે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં તાપમાનમાં ઘટાડો થતાં આજથી ત્રણ દિવસ સુધી ઠંડીમાં વધારો થઇ શકે છે. ઠંડીની આગાહી સાથે આજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. બદલતા વાતાવરણ વચ્ચે આગામી ત્રણ દિવસ લઘુતમ તાપમાનનો પારો ગગડીને 14 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. કમોસમી વરસાદની આગાહીને પગલે રાજ્યના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કેરી સહિતના પાકને નુકસાનની ભિતી સેવાઇ રહી છે. કેટલાક માર્કેટ યાર્ડોમાં તૈયાર જણસને સુરક્ષિત સ્થળે ખસેડી લેવાની ખેડૂતો અને માર્કેટ યાર્ડના સત્તાધીશોને સ્થાનિક સ્તરે સૂચના અપાઇ છે.
કમોસમી વરસાદને સંદર્ભે આ જિલ્લામાં યલો એલર્ટ
કચ્છ,મોરબી,રાજકોટ,બોટાદ,અમરેલી,ગીરસોમનાથ,બોટાદ,ભાવનગર,સુરેન્દ્રનગર,દીવ,અમદાવાદ,પાટણ,બનાસકાંઠા,સાબરકાંઠા,મહેસાણા,ખેડા,આણંદ,વડોદરા,છોટા ઉદેપુર,પંચમહાલ,દાહોદ,મહીસાગર, આ જિલ્લામાં અપાયું યલો એલર્ટ
કયા જિલ્લામાં વરસાદની આગાહી ?
દેવભૂમિ દ્વારકા,પોરબંદર,જામનગર,જૂનાગઢ,ભરૂચ,નર્મદા,સુરત,તાપી,ડાંગ,નવસારી,વલસાડ,દમણ,દાદરાનગર હવેલી આજે વરસાદ પડી શકે છે