Unseasonal rain in Amod: ભરૂચ જિલ્લાના અમોદ તાલુકાના મછાસરા ગામે આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કમોસમી વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો હતો. આ અણધાર્યા વરસાદના કારણે મછાસરા ગામના ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે.
ખેડૂતોએ તાજેતરમાં જ તુવેર અને મગ જેવા પાકનું વાવેતર કર્યું હતું અને હવે જ્યારે પાક તૈયાર થઈ ગયો હતો ત્યારે તેને કાપીને ખેતરમાં તેમજ ખળીમાં સૂકવવા માટે મૂક્યો હતો. પરંતુ અચાનક પડેલા વરસાદના કારણે ખેતરો અને ખળીમાં સૂકવવા મૂકેલો મોટાભાગનો પાક પલળી ગયો હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે. જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થવાની ભીતિ છે.
આ ઉપરાંત, આસપાસના જંબુસર તાલુકામાં પણ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. અહીં પણ ઠંડા પવન ફૂંકાવા લાગ્યા હતા અને આકાશમાં ગાજવીજ સાથે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. વાદળોમાં વીજળીના કડાકા પણ જોવા મળ્યા હતા, જે કેટલાક લોકોએ પોતાના કેમેરામાં કેદ કર્યા હતા.
કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે ખેડૂતો પોતાના ખેતરોમાં રહેલા પાકને લઈને પણ ચિંતિત છે. જે પાક હજુ ખેતરોમાં ઊભો છે તેને પણ આ વરસાદથી નુકસાન થવાની સંભાવના છે. આમ, અમોદ તાલુકાના મછાસરા અને જંબુસર પંથકના ખેડૂતો કમોસમી વરસાદના કારણે ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને તેમને પોતાના પાકને બચાવવાની ચિંતા સતાવી રહી છે.
ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં કમોસમી વરસાદનો કહેર, ખેડૂતો અને વેપારીઓને મોટું નુકસાન
ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં આજે કમોસમી માવઠાના કારણે ખેડૂતો અને વેપારીઓને વ્યાપક નુકસાન થયું છે. ખાસ કરીને લાલ અને સફેદ ડુંગળીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે, જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
ખેડૂતોના મોઢે આવેલો કોળિયો કમોસમી વરસાદના કારણે છીનવાઈ ગયો છે. માર્કેટિંગ યાર્ડના ખુલ્લા પ્લોટમાં રાખવામાં આવેલો ડુંગળીનો મોટો જથ્થો વરસાદી પાણીમાં પલળી ગયો છે.
બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને એકાએક વરસાદ શરૂ થતા ખેડૂતો અને વેપારીઓનો માલ ભીંજાઈ ગયો હતો. આ અણધાર્યા વરસાદના કારણે ખેડૂતો અને વેપારીઓમાં ભારે નિરાશા જોવા મળી રહી છે.
ભાવનગર શહેરમાં આજે બપોર બાદ વાતાવરણમાં આવેલા પલટા બાદ વરસાદની ગતિમાં વધારો થયો છે. ઉનાળાના આકરા તાપ વચ્ચે શરૂ થયેલો કમોસમી વરસાદ હવે ચોમાસાની માફક વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધુ વધારો થયો છે.
શહેરમાં બપોર પછી વાતાવરણમાં પલટો આવતાં ગાજવીજ સાથે વરસાદી છાંટા શરૂ થયા હતા. ત્યારબાદ વરસાદની ગતિ વધતા ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતો પાકમાં નુકસાનની ભીતિથી વધુ ચિંતાતુર બન્યા છે.
વરસાદની સાથે ગાજવીજ પણ થઈ રહી છે, જેના કારણે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. જો કે, વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીથી રાહત મળી છે.