અમદાવાદ: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ વરસી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આજથી પવનની ગતિમાં વધારો થશે. 26 માર્ચ સુધીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. 26 એપ્રિલથી 10 મે દરમિયાન ગુજરાતમાં આંધી અને વંટોળ આવવાની પણ શક્યતા છે.
અંબાલાલ પટેલના મતે આ વર્ષે કાળઝાળ ગરમી પણ રહેશે. જો કે, ખેડૂતો માટે સારી વાત એ છે કે, આ વર્ષે ચોમાસું લાંબું રહેશે. અંબાલાલ પટેલના અનુસાર, ઑક્ટોબર મહિના સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. તો આજે ભુજ, અમરેલી, રાજકોટ અને સુરેન્દ્રનગર સૌથી ગરમ રહ્યા છે. આ ચારેય શહેરમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે. નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું છે. નલિયામાં 17 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
ગુજરાતમાં તાપમાનનો પારો સતત ઊંચો જઇ રહ્યો છે. આગામી દિવસોમાં 2થી 3 ડિગ્રી તાપમાન ઊંચુ જવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. હાલ મહત્તમ તાપમાન 36 ડિગ્રી સુધી પહોંચ્યું છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી જેટલું રહેશે તેમ જણાવ્યુ છે. આ સાથે તેમણે કરા સાથે કમોસમી વરસાદ થવાની પણ આગાહી કરી છે.
આગામી પાંચ દિવસમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવનાઓ છે. ગુજરાતના ઉત્તર અને દક્ષિણના ભાગોના બન્ને દરિયાકાંઠે પવનો ઉત્તર-પશ્ચિમ અને ઉત્તરના ફૂંકાવાની શક્યતાઓ છે. જેની ગતિ 10-15 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે. તાપમાનમાં વધારાની વાત કરીને હવામાનના વૈજ્ઞાનિકે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સેલ્સિયસ તાપમાન વધવાની સંભાવનાઓ વ્યક્ત કરી હતી.
પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પવન વધુ રહેશે. કચ્છના ભાગોમાં પવન વધુ રહે અને વાદળ રહેવાની શક્યતા છે. આ દરમિયાન દરિયાકિનારાના કેટલાક ભાગોમાં પણ પવન સાથે ક્યાંક ક્યાંક હળવો વરસાદ પડી શકે. મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન તાપમાન 42 ડિગ્રી જેટલું રહેશે તેમ જણાવ્યું છે. તા. 28 માર્ચ સુધીમાં બેથી ત્રણ પશ્ચિમી વિક્ષેપો આવી શકે છે. હવે આવતા પશ્ચિમી વિક્ષેપો દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોને જ પ્રભાવિત કરી શકે, કારણ કે સૂર્ય ધીમે ધીમે ઉત્તર ગોળાર્ધ તરફ્ આવતો જશે.