ભારે પવનના કારણે દેવપરામા 30 મકાનોના છાપરાં-નળીયા ઉડી ગયા હતા. 50 જેટલા વિજપોલ ધરાશાયી થતાં તાલુકામાં વિજ પુરવઠો ખોરવાઈ ગયો હતો જ્યારે અનેક વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. વરસાદથી ગરમીમા થોડી રાહત મળી હતી પરંતુ નુકશાન ઘણું થયું હતું.
ભારે વાવાઝોડા સાથે કમોસમી વરસાદની સૌથી વધુ અસર રાજુલા પંથકમા વર્તાઈ હતી. બપોર સુધી આકરી ગરમી બાદ રાજુલામાં ઘનઘોર વાદળો ચડી આવ્યા હતા અને જોતજોતામાં કરા સાથે માવઠુ વરસી જતાં વાતાવરણમા ઠંડક પ્રસરી ગઈ હતી. જોકે રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન આંધી સાથે જાણે મીની વાવાઝોડું ત્રાટક્યું હોય. જેના કારણે વિકટર પંથકમા 20 વિજપોલ ધરાશાયી થયા હતા.
બીજી તરફ ખાંભા પંથકમા પણ અચાનક જ ચડી આવેલા કાળા ડિબાંગ વાદળો વરસી પડયા હતા. ખાંભામા માવઠુ થવા ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમા પણ કમોસમી વરસાદ થયો હતો. જો કે આ વરસાદથી લોકોએ ગરમીમા રાહત અનુભવી હતી.