ભર શિયાળે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.વાદળછાયા વાતાવરણ અને માવઠાના મારે ખેડૂતોની ચિંતા વધારી છે. હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં કેટલાક શહેરમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વલસાડ જિલ્લામાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો છે. કપરાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં ભર શિયાળે અષાઢી માહોલ જોવા મળ્યો હતો.
ડાંગના સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. જેથી શાકભાજી, ડુંગળી,ઘઉં, સ્ટ્રોબેરી સહિતના પાકને નુકસાનીની ભીતિ સેવાઇ રહી છે. ભરૂચના હાંસોટમાં બપોરે ધોધમાર વરસાદ વરસ્યો હતો.
પંચમહાલના ગોધરામાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. શહેરમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો.દાહોદના સંજેલીમા હળવો વરસાદ વરસ્યો હતો જેને લઈને ખેડૂતો ચિંતામાં મૂકાયા હતા. યાત્રાધામ ડાકોરમાં વાતાવરણ પલટાયું અને એકાએક વરસાદ વરસ્યો હતો. જેના કારણે માર્ગો પર પાણી વહેતા થયા હતા.મોડાસા શહેર અને તાલુકાના ગામોમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા હતા. ગીર સોમનાથના તલાલામાં વાતાવરણ પલટાયુ હતું. ધાવા,માધુપુર, સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો.જૂનાગઢ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભાવનગરના મહુવામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. બગદાણા, સાલોલી, માલપરા, ગુંદરણા સહિતના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કપાસ, ડુંગળી અને મગફળીના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં ઠંડીના ચમકારા વચ્ચે ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે આજે અને આવતીકાલે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે.
હવામાન વિભાગના અનુસાર વેલમાર્ક લૉ પ્રેશર સિસ્ટમને લઈ બે દિવસ કમોસમી વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ, રાજકોટ, ઉત્તર ગુજરાતના અરવલ્લી અને દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં માવઠું પડશે.વરસાદ દરમિયાન ખેડૂતોને પાકનું ધ્યાન રાખવા સૂચના અપાઈ છે. જો કે, 2 દિવસ બાદ વાતાવરણ સૂકું રહેશે. 20 ડિસેમ્બર બાદ કડકડતી ઠંડી પડવાની આગાહી કરાઈ છે.
Weather: કડકડતી ઠંડી વચ્ચે આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
દેશમાં અત્યારે ડિસેમ્બર મહિનાની ઠંડીની સિઝન જામી છે, ત્યારે એકબાજુ લોકો ઠંડી સામે રક્ષણ મેળવી રહ્યાં છે, અને બીજુબાજુ બીજી મોટી આફત આવી છે. હવામાન વિભાગે રિપોર્ટમાં દર્શાવ્યુ છે કે, દેશમાં કેટલાક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે. જાણો હવામાન વિભાગે ક્યાં ક્યાં વરસાદ પડવાની આગાહી કરી છે.
દેશમાં શિયાળાની ઋતુ હોવા છતાં હવામાન વિભાગે કેટલાય વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે, હવામાન વિભાગ અનુસાર, ઉત્તર ભારતના રાજ્યોમાં એકબાજુ ઠંડી અને બરફવર્ષા થવાની આગાની છે, તો બીજીબાજુ દક્ષિણના કેટલાક રાજ્યોમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે રિપોર્ટ કર્યો છે કે, દક્ષિણમાં તામિલનાડુ, લક્ષદ્વીપ અને કર્ણાટક રાજ્યોના કેટલાક વિસ્તારોમાં આ સિઝનમાં વરસાદ પડશે.