માધવપુર ઘેડમાં ગતરાતના 9થી 12 વાગ્યા સુધી ગાજવીજ સાથે ધોધમાર ત્રણ ઈંચ અને ગુરુવારે સવારે સવા પાંચથી પોણા સાત વાગ્યા સુધીમાં દોઢ ઇંચ વરસાદ પડતા કુલ સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો. સુત્રાપાડા તાલુકાના મોરડિયા ગામે સાડા ત્રણથી પોણા ચાર ઈંચ વરસાદ પડતા ખેડૂતોમાં પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.
પ્રાંચી પીપળા, ગાંગેથા, પ્રાંસલીમાં ભારે વરસાદ નોંધાયો હતો. તાલાલામાં અઢી ઈંચ વરસાદ પડ્યો હતો. જૂનાગઢ જિલ્લામાં બપોરના ચાર વાગ્યા પછી વરસાદી વાતાવરણમાં અચાનક બદલાવ આવ્યો હતો. કેશોદમાં 16, ભેસાણ 8, માળિયાહાટીના 12, વંથલી 15મીમી અને જૂનાગઢ શહેરમાં છૂટા છવાયા ઝાપટાં પડ્યા હતા. માંગરોળમાં બે, ત્રણ દિવસના અસહ્ય બફરા બાદ વીજળીના કડાકા ભડાકા સાથે રાતે વરસાદ વરસતા એક કલાકમાં દોઢ ઇંચ જેટલું પાણી પડ્યું હતું.
સુરત જિલ્લાના ઉમરપાડામાં બપોરે બે કલાકમાં ત્રણ ઇંચ અને મહુવા અને માંડવીમાં અઢી ઇંચ જ્યારે માંગરોળમાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો. સાપુતારામાં વિતેલા 22 કલાકમાં 4 ઈંચ, વઘઇ અને આહવામાં ત્રણ ઈંચ અને સુબીરમાં સવા ઈંચ વરસાદ નોંધાયો હતો. વલસાડના વાપીમાં દોઢ ઈંચ, કપરાડામાં એક ઈંચ અને પારડીમાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો હતો.