દાહોદ: દેશમાં હાલ ટેક્નોલોજીનો જમાનો છે. ક્રાઈમ કરનારા લોકો પણ આજકાલ ચાલાક બની ગયા છે ત્યારે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ટેક્નોલોજીનો ઉપયોગ કરી આરોપીઓ પકડવા, લોકોની સુરક્ષા અને ડ્રગ્સ અને દારુના દુષણને ડામવા માટે  દાહોદ જિલ્લા પોલીસ દ્વારા  છેલ્લા એક વર્ષથી અલગ અલગ ક્ષેત્રે  ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.  જે અંતગર્ત ઘણી કામગીરી સફળતાપુર્વક પાર પાડવામાં આવી છે. દાહોદજિલ્લા પોલીસ દ્વારા ટેક્નોલોજીનો ઉપયોગ કરી સરાહનિય કામગીરી કરવામાં આવી છે.

  




ઝાલોદ લુહાર ફળીયા સોમનાથ મંદિરમા આશરે બે વાગ્યે ચોર આવી પહોંચ્યા હતા. તાળું તોડવાનો અવાજ સાંભળી બાજુમા રહેતા બહેને બૂમાબૂમ કરતા લોકો ભેગા થયા  પરંતુ આ આરોપીઓ ઇટો અને પથ્થરોથી હુમલો કરતા લોકો મંદિરમા જઇ શક્યા નહીં. પોલીસને જાણ થતા આ વિસ્તારને કોર્ડન કરી એક આરોપીને ઝડપી પાડ્યો પરંતુ અન્ય આરોપીઓ અંધારાનો લાભ લઈ જંગલ ઝાડીઓમાં નાસી ગયા હતા. બાદમાં પોલીસે ટેક્નોલોજીનો ઉપયોગ કરી આરોપીને ઝડપી લીધા હતા.  પોલીસ દ્વારા નાઇટ વિઝન થર્મલ ઇમેજીંગ ડ્રોનની મદદથી આરોપીને લોકેટ કરી પકડી પાડવામા સફળતા મળી હતી.  દાહોદ જીલ્લા પોલીસ સતર્કતા અને આધુનિક ટેકનોલોજીથી મંદિર ચોરી અટકાવી અને આરોપીઓ પકડી પાડવામા આવ્યા હતા. પકડાયેલ આરોપી ઠાકુરભાઇ ફુલસીંગભાઇ રોતાલા (રાવત) રહે.મધ્યપ્રદેશ  અગાઉ 70  ઘરફોડ ચોરીઓમા સામેલ છે તથા કર્ણાટક ખાતે પકડાયેલ અને આઠ વર્ષ જેલમા રહી ચુકેલ છે.
            





દાહોદ જીલ્લામાંથી 70 કીલોમીટર ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇ-વે પસાર થાય છે. જેના ઉપર અગાઉ હાઇવે લુંટના બનાવો વારંવાર બનતા હતા. જેમાં લુંટારૂઓ દૃારા રસ્તા ઉ૫ર અણીદાર પથ્થરો મુકી ગાડીને પંક્ચર કરી  મુસાફરોને લુંટી લેવાના અને માર મારવાની ઘટના બનતી.  જેમાં રોડની આસપાસ આવેલ પહાડી વિસ્તારો જંગલો મોટા ઘાસના મેદાનો અને મકાઇના વાવેતર વાળા ખેતરો આવેલ છે. જે આરોપીઓને આ ગુનો કરવા તથા ગુનો કર્યા બાદ ભાગી જવા માટે અનુકુળ ભૌગોલિક પરિસ્થિતિ હતી. આ ગુના ડામવા  તથા લોકોમાં સુરક્ષા  માટે રાજ્યમાં પ્રથમ વાર સલામત  હાઇ-વે બનાવવા એરીયલ પેટ્રોલીંગ ડ્રોનની મદદથી કરવામાં આવે છે. જેનાથી છેલ્લા એક વર્ષ અને 2 મહિનામાં એક પણ હાઇવે લુંટનો બનાવ  નથી બન્યો. ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગથી આવી ગુનાહીત પ્રવૃતિ પર અંકુશ જોવા મળ્યો છે.


દાહોદ જીલ્લામાં મોટાભાગનો વિસ્તાર ગીચ જંગલ, પહાડોથી ઘેરાયેલો છે તથા મધ્યપ્રદેશ ,રાજસ્થાન બોર્ડર ઉપર આવેલ છે. આ ગીચતાનો લાભ લઇ આરોપીઓ ગાંજાનુ વાવેતર કરતા અને મોટા પ્રમાણમાં ખેતી કરતા હોવાનુ ધ્યાનમાં આવેલ જેથી પ્રથમ વખત ડ્રોન ટેક્નોલોજીની મદદ સાથે  AI અને Machine Learning નો ઉપયોગ કરી  8 કેસો કરી તેમાં દોઢ કરોડ રૂપિયાની કિંમતના ગાંજા છોડોના ખેતરો પકડી પાડવામાં સફળતા મળી છે.


ડ્રોન ટેક્નોલોજીનો ઉ૫યોગ


આ સિવાય આંતર રાજ્ય સરહદો ઉ૫રથી પ્રવેશતા વાહનો ઉપર ગેરકાયદેસર  ચીજ વસ્તુઓની હેરફેર અટકાવવા માટે પણ ડ્રોન ટેક્નોલોજીનો ઉ૫યોગ કરવામાં આવે છે. જેમાં  નાર્કોટીક્સ ડ્રગ્સ (પોશ ડોડા)ની હેર ફેર કરતા વાહન,   ચેકપોસ્ટથી ભાગી ગયેલ અને ગ્રામીણ વિસ્તારમાં બિન વારસી છોડી દીધેલ જે ડ્રોનની મદદથી શોધી પકડી પાડવામાં આવ્યા છે. 


નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવામાં  સફળતા મળી


દાહોદ જીલ્લામાં લોકોના ઘરો અલગ અલગ ફેલાયેલ અને પહાડી વિસ્તર પર આવેલ છે. જેના લીધે ઘણા સમયથી આરોપીઓ  પકડવા પોલીસ માટે પડકારરૂ૫ હોય છે. પોલીસ પકડવા જાય તો ઉંચાઇનો લાભ લઇ છટકી જાય છે. જેથી ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરી ઘણા લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવામાં  સફળતા મળી  છે. પોલીસ દ્વારા  આરોપીઓને પકડવા  ડ્રોન ટેકનોલોજીની મદદથી લાઇવ ઓપરેશન હાથ ધરવામાં આવે છે.




 
જીલ્લામાં મોટા ભાગે આરોપીઓ મુખ્યત્વે મધ્યપ્રદેશથી રેલ્વેમાં આવી ગુનાઓને અંજામ આપે છે. નેશનલ હાઇ-વે અને રેલ્વે ટ્રેક સમાંતર હોય હાઇવે રોબરીમાં પણ રેલ્વે ટ્રેકનો ઉ૫યોગ કરી શંકાસ્પદ ગતિવિધિ અટકાવવા દાહોદ  જીલ્લા પોલીસ દ્વારા ડ્રોન ટેક્નોલોજીની મદદથી રેલ્વે ટ્રેકની આજુ બાજુ સર્વેલન્સની કામગીરી કરવામાં આવેલ છે. આમ , દાહોદ જીલ્લા પોલીસ દ્વારા આધુનિક ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ વિવિધ કામગીરી માટે કરવામાં આવી છે. સુરક્ષાને લગતી તમામ બાબતોને આવરી લેવા પ્રયત્ન  કરવામાં આવી રહ્યા છે. જે કામગીરી થર્મલ ઇમેજીંગ,નાઇટ વિઝન ,30X  Zoom ડ્રોન દ્વારા કરવામાં આવે છે.