Valsad Crime News: ગુજરાતમાં ચોરી ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે દક્ષિણ ગુજરાત વલસાડમાંથી વધુ એક ચોરીની ઘટના સામે આવી છે, અહીં એક પરિવાર બહાર ગયો હોવાની જાણ ચોરને થતાં, તેમના ઘરમાંથી દોઢ લાખથી વધુના દાગીનાની ઉઠાંતરી કરી હતી. હાલ પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. 


મળતી માહિતી પ્રમાણે, વલસાડમાં એક પરિવાર બહાર ગયો હોવાનો પુરેપુરો ફાયદો ચોર ટોળકી ઉઠાવ્યો છે. અહીં શહેરના ભાગડાવાડા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટ રહેતા માતા અને દીકરી બહાર લગ્નમાં ગયા હતા, આ તકનો લાભ ચોર ટોળકીએ ઉઠાવ્યો છે. ધોળે દિવસે ચોરે ફ્લેટનો તાળુ તોડીને ઘરમાંથી અંદાજિત દોઢ લાખથી વધુની મતાની ચોરી કરી છે. જ્યારે માતા -દીકરી લગ્નમાંથી ઘરે પરત ફર્યા તો તેમને ઘરમાં સામન વેરવિખેર થયેલો જોયો હતો. ચોર ટોળકીએ ઘરમાંથી કબાટની તિજોરીમાં મુકેલું સોનાનું મંગળસૂત્ર, સોનાની ચેઇન, વીંટી, બંગડી, સોનાનું પેન્ડલ, કાનની બુટ્ટી, ચાંદીના ઘરેણાં એમ કુલ મળીને 15 તોલા સોના અને ચાંદીના ઘરેણાં સાથે 2 મોબાઈલ ફોનની ચોરી કરી હતી. આમાં કુલ 1.52 લાખની મત્તા તસ્કરો ઘરમાંથી તડફાવી ગયા હતા. હાલમાં આ ઘટના અંગે સીટી પોલીસ દ્વારા સ્થળ પર તપાસ હાથ ધરાઇ છે.


નવસારીમાં વિચિત્ર ચોરી, જ્વેલર્સની દુકાનમાંથી એક લાખ ઉઠાવ્યા બાદ ચોરો સીસીટીવી અને ડીવીઆર પણ લઇ ગ્યાં.....


નવસારીમાં ચોર ટોળકીનો ત્રાસ ફરી એકવાર સામે આવ્યો છે, નવસારીમાં ગઇ રાત્રે એક જ્વેલર્સની દુકાનમાંથી એક લાખથી વધુની ચોરીની ઘટનાથી અનેક સવાલો ઉભા થયા છે. શહેરના એરુ રૉડ પર આવેલી પ્રગતિ જ્વેલર્સમાંથી ચાર-પાંચ ચોરે એક લાખથી વધુની મતાની ચોરી કરી હતી, હાલ પોલીસ આ ઘટનાને લઇને તપાસ કરી રહી છે. મળતી માહિતી પ્રમાણે, શિયાળો જામ્યો છે, રાત્રિના સમયે ઠંડીનો અહેસાસ વધુ થઇ રહ્યો છે, અને આ ઠંડીની સિઝનમાં હવે ફરી એકવાર ચોર ટોળકી સક્રિય થઇ રહી છે. હાલમાં જ નવસારી શહેરમાંથી સોના-ચાંદીની દુકાનમાંથી એક લાખથી વધુની ચોરી થઇ હોવાની ઘટના ઘટી છે. નવસારી શહેરમાં એરુ નજીક આવેલા ચાર રસ્તા પાસે આવેલી પ્રગતિ જ્વેલર્સમાં આ ઘટના ઘટી છે, રાત્રિના સમયે પ્રગતિ જ્વેલર્સનું શટર તોડીને ચારથી પાંચ ચોર દુકાનમાં ઘૂસ્યા હતા, આ ચોર ટોળકીએ દુકાનમાંથી એક લાખના માલની ઉઠાંતરીની સાથે સાથે દુકાનમાં રાખેલા સીસીટીવી અને ડીવીઆરને પણ લઇને ફરાર થઇ ગયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. અવારનવાર થતી આવી ચોરીથી પોલીસ પેટ્રૉલિંગની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે. હાલમાં આ ઘટનાને લઇને શહેરની જલાલપોર પોલીસે તપાસ શરૂ કરી છે.