રાજકોટ: ગુજરાતમાં ‘વાયુ’ વાવાઝોડાનું સંકટ તો ટળ્યું પરંતુ તેની અસરે લીદે ગુજરાતના દરિયાકાંઠે અને ગીરના જંગલ આસપાસના વિસ્તારમાં 6થી 10 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો જેના કારણે હિરણ અને દેવકા સહિતની નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. જોકે હવે વાયુ વાવાઝોડાએ દિશા બદલી ફરી કચ્છ તરફ આવે તેવી શક્યતા છે.

તલાલામાં આભ ફાટ્યુ હોય તેમ 8 ઈંચ વરસાદ ખાબકતાં ગીરના જંગલમાં પાણી-પાણી જ જોવા મળ્યું હતું. વરસાદના કારણે હિરણ નદી છલકાતી જોવા મળી હતી. ગીર સોમનાથમાં 6 ઈંચ અને તલાલામાં 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત સૂત્રાપાડામા 6 જ્યારે ઉના-ગીર ગઢડાથી ત્રણ ઈંચ જ્યારે કોડીનાર તાલુકામાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો.

‘વાયુ’ વાવાઝોડાને કારણે જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ વંથલી, માળીયા અને મેંદરડામાં અંદાજે 5 ઈંચ વરસાદ વરસ્યો હતો. જૂનાગઢ અને માંગરોળમાં 4 ઈંચ અને ભેસાણ તેમજ વિસાવદરમાં ત્રણ-ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

અમરેલી જિલ્લામાં બીજા દિવસે પણ મેઘસવારી ચાલુ રહી હતી અને અમુક તાલુકાઓમાં ખેડુતોએ વાવણીના શ્રીગણેશ પણ કરી દીધા છે. સાવરકુંડલા તાલુકામાં બે ઈંચ, ખાંભામાં દોઢ ઈંચ, અમરેલી અન બાબરામાં 1 ઈંચ, જાફરાબાદ-લાઠી-લીલીયામાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો.