મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે જણાવ્યું હતું કે, વાયુ વાવાઝોડું વળાંક લે એવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે અને તારીખ 17 કે 18 જૂન દરમિયાન ડીપ ડિપ્રેશન કે સાયક્લોનિક સ્ટોર્મ તરીકે, ઘટેલી તીવ્રતા સાથે કચ્છના દરિયાકાંઠે ટકરાઈ એવી સંભાવના વ્યક્ત કરી છે.
હવામાન વિભાગના પૂર્ણ સંકલન સાથે રાજ્ય સરકાર તમામ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહી છે. સાવચેતીના પૂરતા પગલાં લેવાઈ રહ્યા છે. શ્રી પંકજકુમારે નાગરિકોને કોઈ પણ જાતનો ભય મનમાં નહીં આણવાની અપીલ કરતાં જણાવ્યું છે કે, રાજ્ય સરકાર પરિસ્થિતિ પર સંપૂર્ણ નજર રાખી રહી છે, અને સમગ્ર પરિસ્થિતિ રાજ્ય સરકારના નિયંત્રણમાં છે.