અમદાવાદઃ ગુજરાત પરથી વાયુ વાવાઝોડનો ખતરો તો ટોળી ગયો છે. પરંતુ તેની અસર એ જોવા મળી કે દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે. ગીરના જંગલ આસપાસ 6-8 ઈંચ જેટલો ધોધમાર વરસાદ પડતા હિરણ, દેવકા સહિતની નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)


તાલાલામાં આભ ફાટ્યૂ હોય તેમ 8 ઇંચ વરસાદ ખાબકતા હિરણ નદી છલકાઈ ગઈ છે. ગીર સોમનાથમા ૬ ઈંચ જ્યારે તાલાલા પંથકમા ૮ થી ૧૦ ઈંચ વરસાદ ખાબક્યો હતો. સૂત્રાપાડામા પાંચ જ્યારે ઉના–ગીર ગઢડાથી 1-2 ઈંચ જ્યારે કોડીનાર તાલુકામા 2-3 ઈંચ વરસાદ પડ્યો છે.



વાયુ વાવાઝોડાને કારણે જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ વંથલી, માળીયા અને મેંદરડા પંથકમાં પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જૂનાગઢ શહેર અને માંગરોળમાં 4 ઈંચ અને ભેસાણ તેમજ વિસાવદરમાં 3-3 ઈંચ વરસાદ નોધાયો હતો.

છેલ્લા આંકડા મુજબ પોરબંદર શહેરમાં ૨૧મીમી (કુલ૩૧મીમી ), રાણાવાવમાં ૮મીમી (કુલ૨૭મીમી) અને કુતિયાણામાં ૪૪મીમી (કુલ૪૮મીમી )વરસાદ પડ્યો છે.



રાજકોટ જિલ્લાના તાલુકાઓમાં સવારના ૬ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધીમાં ઉપલેટા-૦, કોટડાસાંગાણી-૧૩, ગોંડલ-૧૦, જેતપુર-૦, જસદણ-૧૧, જામકંડોરણા-૧, ધોરાજી-૨૨, પડધરી-૧, રાજકોટ તાલુકા-૦, રાજકોટ શહેર-૭, લોધિકા-૬ અને વીંછિયા-૬ મી.મી.વરસાદ પડયો હતો.

અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકામાં પોણા બે ઈંચ, ખાંભામાં દોઢ ઈંચ, અમરેલી, બાબરામાં ૧ ઈંચ, જાફરાબાદ, લાઠી, લીલીયામાં અડધો ઈંચ અને બગસરામાં ૮મીમી, રાજુલામાં પ મીમી અને વડીયામાં ૭ મીમી વરસાદ પડયો હતો.