બે દિવસ અગાઉ પડેલા કમોસમી વરસાદ અને લગ્નસરાની સીઝન અગાઉ શાકભાજીના ભાવમાં વધારો થયો હતો. શાકભાજીના ભાવમાં સરેરાશ 30 ટકાનો વધારો નોંધાયો છે. બે દિવસના કમોસમી વરસાદથી પહેલા ખેડૂતોનું તો હવે ગૃહિણીઓનું રસોઈનું બજેટ ખોરવાઇ ગયું છે.
કમોસમી વરસાદના કારણે વધ્યા ભાવ
ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદથી પાપડી, વટાણા, ભીંડા સહિતની શાકભાજીની વાડીઓમાં પાણી ભરાતા ભારે નુક્સાન થયું છે. દક્ષિણ ગુજરાતની જેમ જ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો મહત્તમ ભાગ માવઠાનો શિકાર બનતા તુવેર, ગુવાર, ટામેટાના છોડ અને દૂધી, કાકડીના વેલાઓને ભારે નુક્સાન થયું છે. સ્વાભાવિક રીતે આ નુકસાનની અસર બજારોમાં પણ જોવા મળવા લાગી છે. રાજ્યમાં પાકતા શાકભાજીના ભાવમાં 20થી 30 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે શાકભાજીમાં જીવાત પકડવાની શક્યતા રહેલી છે અને નાના છોડ અને વેલાઓ કોહવાઇ જાય તેવી શક્યતા રહેલી છે. હોલસેલ માર્કેટમાં 30 રૂપિયાના ભાવે વહેંચાતા ટામેટા 40 સુધી તો 35 રૂપિયાના ભાવે વેચાતા રિંગણ, વટાણા, તુવેરના ભાવ વધીને 45 સુધી પહોંચવાની શક્યતા છે. હાલમાં શાકભાજીના ભાવ શું છે તેના પર નજર કરીએ તો પાલક 80, આદુ 160, મેથી 100, ટામેટા 60થી 70, રીંગણ 80, ભીંડા 80, કોબીઝ 60, ગવાર 100, ફ્લાવર 60 રૂપિયે કિલો વેચાઇ રહ્યા છે.
સિંગતેલના ભાવમાં પણ વધારો
સિંગતેલના ભાવમાં 50 રૂપિયા સુધીનો વધારો થયો છે. મગફળીનો પાક તો અગાઉ તૈયાર થઈ ગયો છે અને અંદાજીત 40 લાખ ટન પાકનો અંદાજ સરકારે જાહેર કર્યો છે. 20 તારીખે સિંગતેલનો ભાવ 2635-2685ની નીચી સપાટી સુધી પહોંચ્યો હતો. પરંતુ 26 તારીખ મહત્તમ ભાવ 2735 સુધી પહોચ્યો પરંતુ ગઈકાલે ભાવ 2735-2785નો રહ્યો હતો.જો કે કપાસિયા તેલના ભાવ હાલ સ્થિર જોવા મળી રહ્યા છે.
સોનાના ભાવમાં પણ વધારો
તહેવારો બાદ પણ સોનાના ભાવમાં વધારો યથાવત છે. અમદાવાદમાં પ્રતિ દસ ગ્રામ સોનાનો ભાવ 64 હજાર પર પહોચ્યો હતો. નવા સપ્તાહના પ્રથમ દિવસે જ અમદાવાદમાં ગોલ્ડના ભાવમાં 500 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. વૈશ્વિક બજારમાં છ મહિનાની ટોચ તથા સ્થાનિકમાં ડોલર સામે રૂપિયામાં નરમાઈએ કારણે સોનાના ભાવમાં વધારો થયો હતો. નવા વર્ષની શરૂઆતથી લઇને અત્યાર સુધીમાં ગોલ્ડના ભાવમાં એક હજાર 200નો વધારો જોવા મળ્યો છે.