મોરબી: મોરબી પગરખા કાંડ કેસમાં છ આરોપીઓના તા 1 ડિસેમ્બર સુધીનાં રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. વિભૂતિ પટેલ ઉર્ફે રાણી બા, રાજ પટેલ, ઓમ પટેલ, પરીક્ષિત ભગલાણી, પ્રીત વડસોલા અને ક્રિસ મેરજાનાં રિમાન્ડ મંજૂર કરાયા છે. ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મોરબીના ચકચારી પગરખા કાંડ મામલે આજે વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના આરોપીઓને દસ દિવસના રિમાન્ડની માંગણી સાથે મોરબી કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે પાંચેય આરોપીઓને આગામી તા.1 ડિસેમ્બરના સાંજના પાંચ વાગ્યા સુધી એટલે કે ચાર દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના અનુસૂચિત જાતિ સમાજના નિલેશભાઈ દલસાણીયા નામના યુવકને પગારના બદલે ચામડાના પટ્ટાથી ઢોર માર મારી મોઢામાં પગરખું લેવડાવવાની કુચેષ્ઠા કરનાર રાણીબા ઇન્ડસ્ટ્રીઝની સંચાલિકા વિભૂતિ હિતેન્દ્રભાઈ સીતાપરા ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, ક્રિશ મેરજા, પ્રીત વડસોલા અને પરીક્ષિત ભગલાણી, ડી.ડી.રબારી વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ સૌ પ્રથમ ડી.ડી.રબારી પોલીસના શરણે આવ્યા બાદ ગઈકાલે રાણીબા સહિતના ત્રણ આરોપીઓ અને આજે વધુ ત્રણ આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થતા તમામને નામદાર મોરબી કોર્ટ સમક્ષ 10 દિવસના રિમાન્ડની માંગ સાથે તપાસનિશ અધિકારી દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.
અગાઉ ડી ડી.રબારી નામના આરોપીને પોલીસ ઝડપી પાડયો હતો. અત્યાર સુધીમાં કુલ સાત આરોપીઓ પોલીસ પકડમાં આવી ગયા છે. આ પૈકીના છ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
નામદાર મોરબી કોર્ટ સમક્ષ સરકારી વકીલ દ્વારા ગંભીર પ્રકારના આ બનાવમાં તપાસ માટે આરોપીઓને 10 દિવસના રિમાન્ડ આપવા તપાસનીશ અધિકારી વતી માંગણી કરતા નામદાર અદાલતે બન્ને પક્ષની દલીલો બાદ વિભૂતિ હિતેન્દ્રભાઈ સીતાપરા ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, ક્રિશ મેરજા, પ્રીત વડસોલા અને પરીક્ષિત ભગલાણી સહિત તમામ છ આરોપીઓને આગામી તા.1 ડિસેમ્બરના સાંજના પાંચ વાગ્યા સુધી પોલીસ રિમાન્ડ મંજુર કર્યા હતા.
જાણો શું હતો સમગ્ર કેસ
લેડી ડોન ગણાવતી રાણીબાએ કામે રાખેલા યુવાનને પગાર ચુકવ્યા વગર જ છૂટો કરી દેતા અને પછી તેને બોલાવીને માર મારતા વિવાદ વકર્યો હતો. આ ઘટના ચર્ચામાં આવતા લેડી ડોન ભૂગર્ભમાં ઉતરી ગઇ હતી. નોંધનીય છે કે, વિભૂતિ પટેલે પોતાનું પગરખું યુવાનને મોઢામાં મુકાવડાવીને માફી માંગતો વીડિયો ઉતાર્યો હોવાનું પણ સામે આવ્યુ હતુ. આટલું જ નહીં આ આરોપીઓએ ફરિયાદીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો જેને પગલે ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝનમાં ફરિયાદ નોધાવી હતી.