ગાંધીનગર:  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગ તથા કલર્સ ગુજરાતીના સંયુક્ત ઉપક્રમે અમદાવાદના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઑડિટોરિયમ ખાતે ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહ-2024નું આયોજન કરવામાં આવ્યું હતું. 


તમામ એવોર્ડ વિજેતાઓને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ સમારોહ ગુજરાતની કલા અને સંસ્કૃતિનું સન્માનના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિચારને સાર્થક કરનારો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે પરિણામદાયી પ્રયાસો થયા છે. જેની ફલશ્રુતિ સ્વરૂપે અન્ય ઈન્ડસ્ટ્રીઝ સાથે હવે ફિલ્મ-ઈન્ડસ્ટ્રી પણ ગુજરાતના સ્ટ્રેટેજિક ટૂરિઝમ લોકેશન્સ તરફ આકર્ષાઈ છે. તેનું ઉત્તમ ઉદાહરણ તાજેતરમાં જ યોજાયેલો ફિલ્મફેર એવોર્ડ્સ છે. 




મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, વિકાસના મોડેલ તરીકે જાણીતું બનેલું ગુજરાત હવે ફિલ્મ ઉદ્યોગનું હબ બની રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ડબલ એન્જિન સરકાર ફિલ્મ ઉદ્યોગના વિકાસ અને સિનેમેટિક ટૂરિઝમને પ્રોત્સાહન માટે આપવા પ્રતિબદ્ધ છે, એમ પણ તેમણે ઉમેર્યું હતું.




આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રી ગુજરાતની ટૂરિઝમ લીગસી અને વિરાસતને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરી રહી છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પરિવર્તનમાં સમગ્ર ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો પરિશ્રમ છે, એમ તેમણે જણાવ્યું હતુ. આજના કાર્યક્રમને મુખ્યમંત્રીએ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની વિકાસગાથાને પોતાના કલા કસબથી આગવી બનાવનારા કલાકારોને પોંખવાનો અને સન્માનવાનો અવસર ગણાવ્યો હતો. વર્ષ 2020, 2021 અને 2022ની ફિલ્મો માટે આશરે 1 કરોડ 16 લાખ રૂપિયા જેટલી રકમના પુરસ્કાર મળવા બદલ તેમણે તમામ કલાકારોને પુનઃ અભિનંદન પાઠવ્યા હતા.




મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતે ફિલ્મિંગ ઈન્સેન્ટિવ સ્કીમ ઉપરાંત સિનેમેટિક ટૂરિઝમ પોલીસી પણ અમલમાં મૂકી છે, જેના પરિણામે વિકાસના મોડેલ તરીકે જાણીતું બનેલું ગુજરાત હવે ફિલ્મ ઉદ્યોગનું હબ બની રહ્યું છે. એટલું જ નહિ, પ્રાદેશિક ભાષાની ફિલ્મોને પ્રોત્સાહન મળે તેનો પ્રેક્ષક વર્ગ વધે અને નિર્માતાઓને પણ નિર્માણ ખર્ચમાં સહાય મળે એવી પોલીસીઝ પણ અમલમાં છે.


માત્ર ગુજરાતી જ નહીં હિન્દી અને અન્ય પ્રાદેશિક ભાષાની ફિલ્મોના શૂટિંગ માટે ગુજરાત પસંદગીનું ડેસ્ટિનેશન બની રહ્યું હોવાનું જણાવી મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ગીર ફોરેસ્ટ, સ્ટેચ્યુ ઑફ યુનિટી, કચ્છનું સફેદ રણ, રાણકી વાવ, મોઢેરા સૂર્યમંદિર જેવાં સ્થળોએ ફિલ્મના શૂટિંગ દ્વારા વિશ્વને ગુજરાતના વૈભવશાળી વારસોનો ઐતિહાસિક, પ્રાકૃતિક-સાંસ્કૃતિક પરિચય થઈ રહ્યો છે. સાથોસાથ એક ભારત-શ્રેષ્ઠ ભારતની સંકલ્પને પણ સાકાર કરે છે. વિકસિત ભારત 2047ના સંકલ્પને વિકસિત ગુજરાત દ્વારા પાર પાડવા ગુજરાતી ફિલ્મજગત અને કલાકારો અગ્રિમ ભૂમિકા નિભાવશે, તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.



મુખ્યમંત્રીના હસ્તે શ્રેષ્ઠ અભિનેતા, શ્રેષ્ઠ અભિનેત્રી સહિત વિવિધ કેટેગરીના એવોર્ડ્સ વિતરણ કરવામાં આવ્યા હતા. જેમાં શ્રેષ્ઠ અભિનેતા તરીકે વર્ષ 2020 માટે મલ્હાર ઠાકર(ગોળ કેરી), 2021 માટે આદેશ સિંઘ તોમર(ડ્રામેબાજ) અને 2022 માટે યશ સોની(ફક્ત મહિલાઓ માટે)ને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. એ જ રીતે, શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે વર્ષ 2020 માટે કિંજલ રાજપ્રિયા(કેમ છો?), વર્ષ 2021 માટે ડેનિશા ગુમરા(ભારત મારો દેશ છે) અને વર્ષ 2022 માટે આરોહી પટેલ(ઓમ મંગલમ સિંગલમ)ને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.અમદાવાદ શહેરનાં મેયર પ્રતિભાબહેન જૈન તથા ડેપ્યૂટી મેયર  જતીનભાઈ પટેલના હસ્તે પણ અમુક કેટેગરીના એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા.