ગાંધીનગર: રાજ્યમાં ગૌણ સેવાની ભરતી પરીક્ષાનાં હોબાળો હજી સમ્યો નથી ત્યારે ગુજરાત સરકાર દ્વારા વધુ એક ભરતી પરીક્ષા રદ કરવામાં આવી છે. સરકારની વીજ કંપનીએ વિદ્યુત સહાયક અને જુનિયર એન્જિનિરોની ભરતી પરીક્ષા રદ કરી છે. આ ભરતી પરીક્ષા 150 એન્જિનિયરો અને 700થી વધુ કલાર્ક માટેની હતી. કોઈપણ કારણ આપ્યા વગર જ આ પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. તેને લઈને ઉમેદવારોમાં રોષે ભરાયા છે. આ મામલે નવું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.


સરકારી કંપની PGVCl, DGVCl, MGVCL માટે 150 એન્જિનિયરો અને 700થી વધુ કલાર્કની પરીક્ષા રદ કરવામાં આવી છે. આની ભરતીનાં ફોર્મ વર્ષ 2018નાં જુલાઇ મહિનામાં ભરાવ્યાં હતાં. જે માટે દરેક ઉમેદવારો પાસેથી 500 રૂપિયા લીધા હતાં. ભરતી રદનાં મેસેજમાં તેવું પણ જણાવવામાં આવ્યું છે કે, પરીક્ષા ફોર્મ સમયે ભરવામાં આવેલી ફી રીફન્ડ મળશે. આ અંગેની વધુ માહિતી માટે તમારે www.dgvcl.com વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે. થોડા જ સમયમાં આ અંગેની બીજી જાહેરાત પણ બહાર પાડવામાં આવશે.

સૂત્રો પાસેથી જાણવા મળી રહેલી વિગત પ્રમાણે, રાજ્ય સરકારે આ ભરતી માટે જે લાયકાત નક્કી કરી હતી તેમાં હવે ફેરફાર કરવામાં આવ્યા છે. જેના કારણે આ પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. બીજુ સરકારે EWSના ક્વોટાના નિયમની અમલવારીને કારણે પણ આ પરીક્ષા રદ્દ કરી હોવાનું જાણવા મળ્યું છે. હવે નજીકના સમયમાં નવી તારીખ જાહેર કરવામાં આવશે.