સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ કોરોનાના કેસોમાં ભારે વધારો થઈ રહ્યો છે, ત્યારે લોકો માટે સારા સમાચાર આવ્યા છે. સુરેન્દ્રનગરની કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી વિરમગામની મહિલાએ કોરોનાને મ્હાત આપી છે. 11 મે, ૨૦૨૦ના રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં મૂળ વિરમગામના વતનીનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા સુરેન્દ્રનગર સ્થિત કોવિડ હોસ્પિટલ ખાતે તેમને દાખલ કરવામાં આવ્યા હતા.


સુરેન્દ્રનગર કોવિડ હોસ્પિટલ ખાતે સઘન સારવાર બાદ તેમને તાવ, શરદી, ખાંસી જેવા કોઇ લક્ષણો ન જણાતા રાજ્ય સરકારની માર્ગદર્શિકા અન્વયે તેમને સુરેન્દ્રનગર કોવિડ હોસ્પિટલમાંથી આજે રજા આપવામાં આવી હતી. નોંધનીય છે કે, અગાઉ વિરમગાની એક વ્યક્તિનું આ હોસ્પિટલ ખાતે નિધન પણ થયું હતું.



સુરેન્દ્રનગરની વાત કરીએ તો આજે ફરી જિલ્લામાં 4 નવા કેસ આવ્યા છે. આ સાથે સુરેન્દ્રનગરમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 20 થઈ છે, જેમાંથી ત્રણ લોકોએ કોરોનાને મ્હાત આપી છે, જ્યારે 17 લોકો સારવાર લઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ મુળી તાલુકાના મુળી, ટીડાણા અને દાણાવાડા ગામમાં ૩ અને લખતર તાલુકાના ઇંગરોળી ગામમાં ૧ કોરોના પોઝિટિવ નોંધાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. તમામ ચારેય કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર અર્થે સુરેન્દ્રનગર શહેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં તમામની ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદ હોવાનું બહાર આવ્યું છે.