બપોરે 12 વાગ્યા સુધી ગુજરાતની 6 બેઠકો પર સરેરાશ મતદાન 19 ટકા નોંધાયુ છે. સૌથી વધુ મતદાન થરાદ બેઠક પર 20 ટકા મતદાન નોંધાયુ છે. બાયડ અને રાધનપુર બેઠક પર સરેરાશ 19 ટકા મતદાન થયુ છે. વળી, લુણાવાડામાં બેઠક પર 17 ટકા અને અમરાઈવાડી બેઠક પર 13 ટકા મતદાન થયાના આંકડા સામે આવ્યા છે. ખેરાલુ બેઠક પર સૌથી ઓછુ 12 ટકા મતદાન નોંધાયુ છે.
ગુજરાતની 6 વિધાનસભા મત વિભાગ 20-ખેરાલુ(મહેસાણા), 8-થરાદ (બનાસકાંઠા), 50-અમરાઈવાડી (અમદાવાદ), 122-લુણાવાડા(મહિસાગર), 16-રાધનપુર (પાટણ) અને 32-બાયડ (અરવલ્લી)ની પેટા ચૂંટણીના સંચાલન માટે ચૂંટણી પંચની સુચના મુજબ વિધાનસભા મતવિભાગના મતદાન મથકોની સંખ્યાના 200 ટકા લેખે ઈવીએમ અને વીવીપેટનું ફર્સ્ટ ચેકીંગ(FLC) હાથ ધરવામાં આવ્યું હતું.
ભારતના ચૂંટણીપંચની માર્ગદર્શક સુચનાઓનો ચુસ્તપણે અમલ કરી BEL કંપનીના અધિકૃત એન્જીનિયરો દ્વારા FLCની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. આ ઉપરાંત ગુજરાતની 6 વિધાનસભા બેઠક પર મતદાન શરૂ થઈ ગયું છે.
ભાજપે આ વખતે થરાદ બેઠક પરથી જીવરાજ પટેલ, રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોર, ખેરાલુ બેઠક પરથી અજમલ ઠાકોર, બાયડ બેઠક પરથી ધવલસિંહ ઝાલા, અમરાઈવાડી બેઠક પરથી જગદીશ પટેલ અને લુણાવાડા બેઠક પરથી જીગ્નેશ સેવકને ટીકિટ આપી છે.