ભાવનગરઃ સિહોર તાલુકાના ગુંદાળા ગામની વરલ કેન્દ્ર્વતી શાળામાં ખેલ મહાકુંભ અંતર્ગત રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતં. આ રમોત્સવમાં અન્ય આંઠ શાળાના વિદ્યાર્થીઓ પણ રમોત્સવમાં ભાગ લેવા આવેલ હતા. રમોત્સવ દરમિયાન રિશેસમાં વિદ્યાર્થીઓ નાસ્તો કરી રહ્યા હતા. તે સમયે શાળાની કમ્પાઉન્ડ દીવાલ ધરાશાઇ થતા એક વિદ્યાર્થીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેને સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના ડૉકટરો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. બાળકના મોતના સમાચારથી સમગ્ર ગામ અને શાળામાં શોકનો માહોલ ફેલાય ગયો હતો.


શાળાના સંચાલકો દ્વારા મળતી માહિતી અનુસાર સિહોરમાં ગત રાત્રીના વરસાદ આવેલ હોય તેમજ આજ સવારના પણ વરસાદી વાતાવરણને કારણે શાળાના કમ્પાઉન્ડમાં પાણી ભરાયેલ હોય અને આજે રમોત્સવ દરમિયાન રિશેસમાં બાળકો ભોજન કરી રહ્યા હતા. તે સમયે અચાનક આ દીવાલ ઘસી પડી હતી.

શાળાની કમ્પાઉન્ડની દીવાલ  ધોરણ ૩માં અભ્યાસ કરતા 8 વર્ષના રવિ અરવિંદભાઈ સોલંકી પર પડતા વિદ્યાર્થી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. શાળાના સંચાલકો દ્વારા વિદ્યાર્થીને સારવાર અર્થે સિહોર સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યાં પ્રાથમિક સારવાર બાદ વિદ્યાર્થીની સ્થિતિ અતિ ગંભીર જણાતા તેને વધુ સારવાર અર્થે ભાવનગર સરકારી હૉસ્પિટલ ખસેડવામાં આવેલ. ભાવનગર સરકારી હૉસ્પિટલ સારવાર અર્થે લાવેલ વિદ્યાર્થીને હૉસ્પિટલના ફરજ પરના ડૉક્ટર દ્વારા તપાસીને મૃત જાહેર કરેલ.