અમદાવાદઃ સરદાર સરોવર ડેમમાંથી 8 લાખ ક્યૂસેક પાણી છોડાતા ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ભરૂચ, ઝઘડિયા અને અંકલેશ્વરના નદી કાંઠાના વિસ્તામાં નદીના પાણી ફરી વળતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.


શહેરના મુખ્ય માર્ગો પર 10 ફૂટ કરતા વધુ પાણી ભરાતા રસ્તાઓ પર વાહનના બદલે બોટ ચાલતી થઈ છે. લોકોના ઘર અને દુકાનોની અંદર પૂરના પાણી ઘૂસી જતા વ્યાપક નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. ફૂરજા વિસ્તાર જેવી જ સ્થિતિ દાંડીયા બજારની પણ જોવા મળી છે. અહીંના રસ્તાઓ પર પણ વાહનોના બદલે બોટ ચાલતી જોવા મળી છે.

શહેરી વિસ્તારની માફક ગ્રામ્ય વિસ્તારમાં પણ નર્મદાના પાણીએ લોકોની મુશ્કેલી વધારી છે. તવરા ગામે પાણી ભરાતા 45 જેટલા પરિવારો સંપર્ક વિહોણા બન્યા છે. તો બેઠ ગામમાંથી 250 લોકોને રેસ્ક્યૂ કરવામા આવ્યા છે. ભરૂચ અને શુક્લતીર્થને જોડતા રસ્તા પર પૂરના પાણી ફરી વળતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે. શુક્લતીર્થ અને કડોદ ગામના ખેતરો પાણી પાણી થઈ ગયા છે.

બીજી બાજુ અંકલેશ્વર તાલુકાના બોરભાઢા ગામની સીમમાં નદીના પાણીના કારણે કેળા, કપાસ તુવેરના પાકને ભારે નુકસાન થયું છે. બોરભાઠાથી અંકલેશ્વર જવાનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે. ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીની સપાટીમાં સતત વધારો થતા નદી કાંઠા પર બનાવાયેલું કોવિડ સ્મશાન પાણીમાં ગરકાવ થઈ ગયું છે.

અંકલેશ્વરના જૂના કાસિયા ગામના માર્ગ પરના પુલ પર પાણી પરી વળતા માર્ગ બંધ થયો છે. નર્મદા નદીમાં પૂરના કારણએ રસ્તાઓને પણ ભારે નુકસાન થયું છે. તો જૂના છાપરા અને માંડવા ગામમાં પણ પાણી ભરાયા છે.