Gujarat Rain Forecast:હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 23થી 27 જુલાઇ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.અંબાલાલ પટેલે 23 જુલાઈથી 27 જુલાઈ સુધી વધુ એક સિસ્ટમ સક્રિય થવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. ઉત્તર ગુજરાત ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે  વરસાદ વરસી શકે છે. કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં પણ વરસાદનું અનુમાન છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ   દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ આગામી દિવસોમાં મેઘરાજા તોફાની બેટીંગ કરી શકે છે.  સૌરાષ્ટ્રના જિલ્લાની વાત કરીએ તો રાજકોટ, સુરેંદ્રનગર, ભાવનગર, ચોટીલા, થાનમાં ભારે વરસાદનું અનુમાન છે. અંબાલાલના આંકલન મુજબ ગુજરાતમાં નવી સિસ્ટમ સર્જાશે છે  અને આ સમયમાં વરસાદ વરસશે.  26 જુલાઈથી 29 જુલાઈ સુધીમાં ગુજરાતમાં અણધાર્યો વરસાદ થશે.  ઉપરાંત 6થી 10 ઓગસ્ટમાં  દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે.

અંબાલાલ પટેલના અનુમાન મુજબ આ સમય દરમિયાન મધ્ય પ્રદેશમાં  પણ ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ શકે છે.  અંબાલાલે નદીના જળસ્તરને ભયજનક સપાટીથી વહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. ભારે વરસાદથી નર્મદા નદીના જળસ્તર વધશે. સાબરમતી, મહીસાગર નદીનું જળસ્તર પણ વધશે.

હવામાન વિભાગની આગાહી 

રાજસ્થાન પર એક્ટિવ થયેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે અરવલ્લી, સાબરકાંઠામાં ભારે વરસાદની અનુમાન છે.  મહીસાગર જિલ્લામાં પણ  ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે.  હવામાન વિભાગની આગાહી મુજબ 20 જુલાઈ સુધી અનેક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસશે, વરસાદની શક્યતાને જોતા હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 50.80 ટકા વરસાદ વરસ્યો છે.

વરસાદની આગાહી દરમિયાન ભરૂચ શહેરમાં રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો છે. ભરૂડના ઝાડેશ્વર, કસક, લીંક રોડ પર મનમૂકીને મેઘરાજા વરસ્યા. શક્તિનાથ, પાંચબત્તી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.બનાસકાંઠા જિલ્લામા મેઘમહેર યથાવત છે. 24 કલાકમાં ધાનેરામાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો છે.

વાવ,કાંકરેજ, લાખણીમાં એક-એક ઈંચ વરસાદ વરસ્યો. થરાદ, દિયોદરમાં એક-એક ઈંચ વરસાદ વરસ્યો છે.દાંતીવાડા અને ડિસામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે.પાટણ જિલ્લામાં ગત રાત્રે  મેઘરાજા મનમૂકીને વરસ્યાં. સરસ્વતી તાલુકામાં રાત્રે  પોણા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે  સંત સરોવરમાં પાણીની આવક થઇ છે. સંત સરોવરના 2 દરવાજા ખોલી સાબરમતી નદીમાં પાણી  છોડાયું છે.

અવિરત વરસાદના કારણે મહેસાણાનો ધરોઈ ડેમ 71 ટકા ભરાયો છે. ધરોઈ ડેમમાં 4 હજાર 444 ક્યૂસેક પાણીની આવક થઇ છે. હાલ ધરોઈ ડેમની જળ સપાટી 613.9 ફૂટ પર પહોંચી છે. જળ સપાટી 618 ફૂટ પર પહોંચ્યા બાદ સાબરમતીમાં  પાણી છોડાશે, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદના કલેક્ટરને આ બાબતે જાણ  કરાઈ  છે.

નવસારીનો જૂજ ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં સારા વરસાદને પગલે જૂજ ડેમ ઓવરફ્લો થયો છે. ડેમની સપાટી 167.55 સુધી પહોંચી છે. વાંસદા, ચીખલી, ગણદેવીના 24 ગામને   એલર્ટ કરાયા છે