અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ વરસાદની આગાહી કરાઈ છે.  રાજ્યના તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  રાજ્યમાં ગત વર્ષ કરતાં આ વર્ષે ચોમાસાની શરૂઆત નબળી રહી છે. આ સિઝનનો અત્યાર સુધીમાં સરેરાશ 23 ટકા વરસાદ નોંધાયો છે.  આગામી પાંચ દિવસ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થશે. 


સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની આગાહી


હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. પાંચ દિવસ દરમિયાન  ભારે વરસાદ થવાની શક્યતા નથી.સૌરાષ્ટ્ર અને  કચ્છમાં  ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ ઉપરાંતના સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.


હવામાન વિભાગની આગાહી અનુસાર,  દાહોદ, પંચમહાલ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દાદર નગર હવેલી, દમણ, અરવલ્લી, મહીસાગર માં છૂટાછવાયા સ્થળો પર  વરસાદની આગાહી કરવામાં આવી છે.  


બુધવારે  કચ્છ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે.  આ ઉપરાંતના અન્ય જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરાઈ છે.  સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.   


ગુરુવારે તમામ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 


શુક્રવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે. 


સૌરાષ્ટ્રમાં સિઝનનો 30.21 ટકા વરસાદ


રાજ્યમાં વર્ષ 2024માં સૌરાષ્ટ્રમાં 8.77 ઈંચ સાથે સિઝનનો 30.21 ટકા વરસાદ વરસી ગયો છે. આ ઉપરાંત કચ્છમાં 4.89 ઈંચ સાથે સિઝનનો 25.63 ટકા, દક્ષિણ ગુજરાતમાં 14.94 ઈંચ સાથે સિઝનનો 25.44 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 4.78 ઈંચ સાથે સિઝનનો 14.97 ટકા અને ઉત્તર ગુજરાતમાં 4.50 ઈંચ સાથે 15.66 ટકા વરસાદ વરસ્યો છે. 


રાજ્યમાં ચાલુ સિઝનમાં 20 તાલુકામાં 20થી 40 ઈંચ, 47 તાલુકામાં 10થી 20 ઈંચ, 82 તાલુકામાં 5થી 10 ઈંચ, 13 તાલુકામાં પાંચ ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે.  વલસાડમાં સૌથી વધુ 20.74 ઈંચ, નવસારીમાં 20.82 ઈંચ, જૂનાગઢમાં 18.33 ઈંચ વરસાદ વરસયો છે.