હવામાન વિભાગ દ્વારા ફરી આગામી 29 અને 30 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વેલમાર્ક લો પ્રેશર અને સાયક્લોનિક સરક્યુલેશનના કારણે ગુજરાતમાં ફરી વરસાદને લઈને આગાહી કરાઈ છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં 29 અને 30 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જેમાં 29 ઓગસ્ટે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જ્યારે 30 ઓગસ્ટે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 29 ઓગસ્ટે ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, પાટણ, નવસારી, વલસાડ, તાપી અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.
આ ઉપરાંત 30 ઓગસ્ટે કચ્છ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.
બીજી બાજુ રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમની જળસપાટી 130.04 મીટર પર પહોંચી ચૂકી છે. ઉપરવાસમાં મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડેમના 10 ગેટ ખોલી 30 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઓમકારેશ્વર ડેમમાં રૂલ લેવલ જાળવવા પાણી છોડાયું અને આ પાણી નર્મદા ડેમમાં પહોંચી રહ્યું છે.