ગુજરાતમાં ઘણી જગ્યાએ બફારો વર્તાઈ રહ્યો છે ત્યારે બીજી બાજુ રાજ્યના ઘણાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 112 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે જેમાં ચાર ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. સતત પડી રહેલા વરસાદને કારણે ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના કુકરમુંડા અને વાંસદામાં 4-4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 130 ટકા જેટલો વરસાદ વરસ્યો છે.

છેલ્લા 24 તાલુકામાં રાજ્યના 112 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો તેની વિગતવાર વાત કરવામાં આવે તો, દક્ષિણ ગુજરાતના 10 તાલુકાઓમાં 24 કલાકમાં દરમિયાન અઢીથી ચાર ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો. જેમાં કુકરમુંડા અને વાંસદામાં 4-4 ઈંચ વરસાદ નોંધાયો હતો.

આ ઉપરાંત ઉમરપાડામાં સવા 3 ઈંચ વરસાદ વરસ્યો હતો જ્યારે કપરાડામાં 3 ઈંચ, વ્યારામાં પોણા ત્રણ ઈંચ, નાંદોદમાં અઢી ઈંચ જ્યારે નીઝર અને માંડવીમાં અઢી-અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. ડાંગના વઘઈ, ડોલવણ, કુતિયાણામાં સવા 2 ઈંચ વરસાદ વરસ્યો હતો. રાત્રે 2થી સવારે ચાર વાગ્યા સુધી વડોદરાના કરજણમાં પોણા 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. રાત્રે 10થી 12 વાગ્યા સુધીમાં સુરત શહેરમાં સવા 2 ઈંચ વરસાદ વરસ્યો હતો.

જૂનાગઢના વિસાવદરમાં સવા 2 ઈંચ, બારડોલીમાં 2 ઈંચ, નવસારીમાં 2 ઈંચ, ખેરગામ, ધોરાજી, ભરૂચમાં 2-2 ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં જ્યારે ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતાં.

વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં પાંચ દિવસ સામાન્યથી ભારે વરસાદ પડશે. ઉત્તર-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.