અમદાવાદ: હાલ ગુજરાતમાં ઘણી જગ્યાએ છૂટાછટાવા વરસાદી ઝાપટાં પડી રહ્યા છે ત્યારે નૈઋત્યનું ચોમાસુ હવે તારીખ 28એ સોમવારથી વિદાય લેવાનું શરૂ કરશે તેમ હવામાન વિભાગમાંથી જાણવા મળ્યું છે. આગામી દિવસોમાં ચોમાસાની વિદાય જમ્મુ-કાશ્મીર, હિમાચલ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાંથી શરૂ થશે તેવું લાગી રહ્યું છે. જોકે ભારતના દક્ષિણ છેડેથી નૈઋત્યના ચોમાસાની હજુ ઘણી વાર છે. હાથીયાની ગર્જના આગલા વર્ષે ચોમાસું સારું આવે તેમ માનવામાં આવી રહ્યું છે.

ગુજરાતના એક જાણીતા અખબારના જણાવ્યા પ્રમાણે, 30 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધીમાં હાથીયો ગુજરાતના ઘણાં ભાગોમાં ગાજવીજ સાથે વરસે તેવી સંભાવના છે. આ ઉપરાંત 9 ઓક્ટોબરથી 12 અને 17 ઓક્ટોબરમાં પણ ઘમાં ભાગો વરસાદ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે. 9 ઓક્ટોબરથી 12 ઓક્ટોબરમાં બંગાળના ઉપસાગરના પૂર્વ ભાગ અને ભારતના દક્ષિણ છેડે હવાના હળવા દબાણ ઉભા થવાની શક્યતા જોવા મળી રહે છે.

12 ઓક્ટોબરથી તાપ પડે અને ઓક્ટોબર મહિનામાં રાજસ્થાનના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ જેટલું થવાની શક્યતા જોવા મળી રહ્યું છે. ઓક્ટોબર મહિનામાં ડાંગ, વલસાડ, નવસારી, સુરતના કેટલાક ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 36 ડિગ્રી સેલ્સિયસ, કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, મહેસાણા, બનાસકાંઠા, પાટણના ભાગોમાં 38 ડિગ્રી, જુનાગઢ, ભાવનગર, અમરેલીના ભાગોમાં 37 ડિગ્રી સેલ્સિયસ, મધ્ય ગુજરાતના ભાગોમાં 37 ડિગ્રી મહત્તમ ઉષ્ણતામાન જવાની શક્યતા છે.

આ ઉપરાંત 13 ઓક્ટોબર બાદ બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત ફુંકાય તેવી સંભાવના છે. જેની અસર આંધ્રપ્રદેશ, ઓરિસ્સા તેમજ ભારતના દક્ષિણ છેડે રહેવાની શક્યતા છે. નવેમ્બર મહિનામાં પણ વાવાઝોડાની શક્યતા જોવા મળી રહી છે. નવેમ્બર મહિનામાં દિવસનો તાપ આકરો રહેશે. પાછલી રાત્રિના ભાગોમાં ઠંડા પવન ફૂંકાશે તેવું લાગી રહ્યું છે.